પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ચાણક્યની સ્વગત વિચારણા.


“ના ના આર્યપુત્ર!” મુરાદેવી ઝટદઈને રાજાના સ્કંધ પરથી પોતાનું માથું ઊંચું કરી અને અાંખો લૂછીને કહેવા લાગી, “હું મારા શોકનો ત્યાગ કરું છું. ચન્દ્રગુપ્તને જોતાં જ મને આજે પહેલી જ વાર દુ:ખનો ઉમળકો આવી ગયો છે, પરંતુ હવે હું શોક કરવાની નથી. જ્યારે મારા બંધુએ એને અહીં મોકલ્યો છે, ત્યારે સારા સત્કારથી એને ચાર દિવસ અહીં રાખવો જ જોઈએ.”

“ચાર દિવસ? ધનાનનંદે તેના શોકને ઘટાડવાના હેતુથી કહ્યું “ચાર દિવસ શા માટે? તને ગમે તેટલા દિવસ તેને અહીં રાખને. ચાર દિવસ એટલે શું? જે તારી ઇચ્છા હોય, તો એને મારા રાજ્યમાં કોઈ સારો અધિકાર પણ આપવાને હું તૈયાર છું. એટલે એથી મારા સુમાલ્ય સાથે એ પણ રાજકાર્યમાં કાંઈક કુશળતા શીખશે. કેમ ચન્દ્રગુપ્ત ! શીખીશ કે નહિ ?"

એ સાંભળીને ચન્દ્રગુપ્ત કિંચિદ્ લજજાનો ભાવ કર્યો અને અત્યંત નમ્રતાથી કહેવા લાગ્યો કે, “મહારાજાનો અનુગ્રહ થાય અને પોતાને ધન્ય માનીને તેનો સ્વીકાર ન કરે, એવા દુર્ભાગી નર તે આ આર્યાવર્તમાં કોણ હશે?” તેનું એ ઉત્તર સાંભળીને અને એ ઉત્તર આપતી વેળાએ તેના શરીરના થએલા શૌર્યના ભાવને અવલોકીને રાજા ધનાનન્દ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને તેણે તત્કાળ કહ્યું કે, “શાબાશ ! તું મોટો વાક્‌ચતુર હોય એમ પણ દેખાય છે. મારા પુત્રના મિત્ર અને સાથી તરીકેની તારી યોગ્યતા ઘણી જ સારી છે. જરા ધૈર્ય ધર – હું તને યુવરાજ પાસે જલ્દી જ મોકલીશ.”

“નહિ-નહિ આર્યપુત્ર !” મુરાદેવી વચમાં જ બોલી ઉઠી.”હજી તો એ આજે જ આવેલો છે માટે આજે જ નહિ મોકલો તો ચાલશે. નિત્ય પ્રમાણે સુમાલ્યરાજ આવતી કાલે આપના પાદવંદન માટે આવશે ત્યારે તેમનો અને એનો રુબરુમાં જ મેળાપ કરાવી આપજો, એટલે થયું.”

મુરાદેવીનું એ ભાષણ ચાલતું હતું, તે સમયે રાજાનાં નેત્રો એક સરખાં ચન્દ્રગુપ્તમાં જ લાગી રહ્યાં હતાં. તેના સુંદર મુખમંડળને ધ્યાનપૂર્વક જોતાં તેના મનમાં એકાએક વિચાર આવ્યો અને તે મુરાદેવીને કહેવા લાગ્યો કે, “દેવિ ! હું ક્યારનો આ બાળકની મુખમુદ્રાને ધ્યાનપૂર્વક જોયા કરું છું અને મારા મનમાં એના વિશે વિચિત્ર વાત્સલ્યભાવનો ઉદ્ભવ થયો છે. પ્રથમ વારના દર્શનથી જ આવું આકર્ષણ કેમ થયું? એનું કારણ હું શોધવા લાગ્યો, એટલે તે તુરત જ અને પાસે પડેલું જ જોવામાં આવ્યું.”