પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પ્રણતિપૂર્વક વિજ્ઞપ્તિ કરીને કહેલું છે કે, મહારાજે આ પત્રિકા વાંચવી અને આ સુવર્ણ કરંડમાંના ઉપાયનનું ગ્રહણ કરવું. જો કાંઈ આપના તરફથી કહેવાનું હોય, તો હું થોભું; નહિ તો જવાની આજ્ઞા ઇચ્છું છું,” એમ કહીને તે મૌન્ય ધારી ઊભી રહી.

“પરિચારિકે ! આ પત્રિકા અને આ કરંડક બન્ને તું પાછાં લઈ જા – ચાર દિવસ હું એને મળવા ગયો નહિ, એટલે જુઓ તો ખરા કેવા કરંડકો અને કેવી પત્રિકાઓ મોકલે છે તે ! તમો દાસીઓને પણ કાંઈ કામ ધંધો હોય, એમ જણાતું નથી. જા – એક ક્ષણ માત્ર પણ અહીં ઊભી રહીશ નહિ. તારી સ્વામિનીને કહેજે કે, હું તને પોતે મળીશ. અને તે જ દિવસે આ પત્રિકા અને ઊપાયનનો સ્વીકાર કરીશ. અહાહા ! સ્ત્રીઓ કેટલી બધી દ્વેષી અને મત્સરી સ્વાભાવવાળી હોય છે ! ઇશ્વર જ બચાવે !!” રાજાએ કંટાળાના ભાવથી કહ્યું.

“મહારાજ!” મુરાદેવી વચમાં જ બોલી ઊઠી, “મહાદેવી સુનંદા આપનાં પટરાણી છે, તેમનું વિનાકારણ આમ અપમાન શામાટે કરો છો ? પત્રિકા વાંચવાથી આપની શી હાનિ થવાની છે ? કોઈ મનુષ્ય એક વસ્તુ ઘણા જ હેતથી કોઇના પર મોકલે, અને તે તેનો તિરસ્કારપૂર્વક અસ્વીકાર કરે, એટલે તેના મનમાં કેટલો બધો ખેદ થાય, એની આપને કલ્પના પણ છે ખરી કે? માટે મારી એટલી જ નમ્ર પ્રાર્થના છે કે, મહાદેવીની પત્રિકા અને ઉપાયનનો આપે અનાદર કરવો નહિ. હું એ પત્રિકા આપને વાંચી સંભળાવું છું.”

“મુરે ! માત્ર તું જ કેમ આવી મત્સરહીન અને દ્વેષ રહિત બની ગઈ છે વારુ ? અને તેમાં પણ સોક્યો વિશે પણ નિર્મત્સરતા? બીજી રાણીઓ તો તારો સદા સર્વદા દ્વેષ જ કર્યા કરે છે, અને આ મહાલયમાં આવ્યા પછી હું જોઉં છું કે, તું તો સામો તેમનો પક્ષ ધરીને મારાથી લડ્યા જ કરે છે. આ પ્રેમને તે શા નામથી ઓળખવો? તેમના વિશે તારા મનમાં સ્વાભાવિક રીતે જ દ્વેષ હોવો જોઈએ, તેનો લેશમાત્ર પણ તારામાં નથી એ તે શું !” રાજા આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો.

રાજાના એ શબ્દોથી મુરાદેવીએ કિંચિત્ સ્મિત હાસ્ય કર્યું અને નમ્રતાથી કહ્યું કે, “મહારાજ ! અપરાધ વિના જ પતિએ પરિત્યાગી હોય, તો એક અબળાના મનમાં કેટલો બધો ખેદ થાય છે, અને તેનો ઉદ્વેગ કેવો હોય છે, એનો મેં સારો અનુભવ કરેલો છે, એથી મારા શત્રુઓને શિરે પણ એવો ભયંકર પ્રસંગ ન આવે, એવી મારી સદોદિત ભાવના રહે છે.