પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પણ ભાવ હતો; પરંતુ ભોળા રાજાને એની સમજણ પડી નહિ. તે એકદમ કહેવા લાગ્યો, “આધાર શો છે ? એ અપૂપના એક કડકાની લાળથી જ માર્જારીને પ્રત્યક્ષ મેં મરી જતી જોઈ છે, તો હવે બીજો તે શો આધાર જોઈએ ? શું એનું ભક્ષણ કરીને મારા મરણને જ હું આધાર બનાવું કે?” “મહારાજ ! આમ આપ કોપથી લાલ પીળા ન થાઓ.” મુરાદેવીએ ઘણી જ શાંતિ અને દૃઢતાથી કહ્યું.” આમ ઊતાવળ કરવાથી કાંઈ પણ કાર્ય થવાનું નથી. મને શિક્ષા કરતી વેળાએ પણ આપે ઉતાવળ કરી હતી, તેનું પરિણામ શું થયું વારુ? એ જ કે, આ યુવરાજની પદવીને દીપાવનારો અને આપના રાજ્ય કાર્યભારમાં સહાયતા કરનારો થઈ પડ્યો હોત, તેવો પુત્ર સદાને માટે ચાલ્યો ગયો ! કદાચિત્ એણે જ તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હોય, તો પણ તે સફળ તો નથી થયો ને? હું અહીં કાળી નાગણ જેવી બેઠેલી હોવા છતાં એવો કોઈ ભયંકર પ્રસંગ બનવા પામે, એ અશક્ય છે. જ્યારે થયું કાંઈ પણ નથી, ત્યારે અમથા બેબાકળા બનવાથી શો લાભ થવાનો છે? માટે શાંત ચિત્તથી વિચાર કરો, શોધ કરો, અને પૂરેપૂરો નિશ્ચય થઈ જાય, એટલે પછી કે કોને અને શી શી શિક્ષા કરવી, તે વ્યવસ્થા કરવાને તે આપ સમર્થ છો જ.”

“દૂધથી દાઝેલું માણસ છાશને પણ ફુંકી ફુંકીને પીએ છે, તેવો જ ભાવ તારા બોલવાનો જણાય છે. ગાંડી રે ગાંડી ! કહે છે કે, વિચાર કરો અને શોધ કરો - અરે વિચાર કેવો અને શોધ શાનો? તેની દાસી આ સુવર્ણ કરંડ અને આ પત્રિકા મારા દેખતાં જ લઈ આવી અને મેંજ એ પત્રિકા વાંચી. તેમાં એ અપૂપ ખાસ મારા માટે જ મોકલવાનું લખેલું છે એટલું નહિ પણએ તે બનાવવામાં પણ ખાસ મારા માટે જ આવ્યા હતા ! એ અપૂપનો એક કટકો મેં તને આપ્યો, તે તેં માર્જારીને ખવડાવ્યો અને તે મારા દેખતાં જ બિચારી મરી ગઈ  ! હવે બીજો વિચાર શાનો કરવો અને શોધ શાનો કરવો? “ધનાનન્દે પોતાના વિચારનું સમર્થન કર્યું.

મુરાદેવી તેનું એ ભાષણ સાંભળીને હસતી હસતી કહેવા લાગી કે, “જે સોક્યોએ આજ સુધી મારો દ્વેષ કરીને મારા સર્વસ્વનો નાશ કર્યો છે, તેમનામાંની મુખ્ય પટરાણીનું કાવત્રુ આજે પકડાતાં આપનો તેનાપર રેાષ થએલો જોઈને મારા હૃદયમાં આનંદ થતો હશે, એમ કદાચિત્ આપનું ધારવું હશે; પણ મને એથી લેશ માત્ર પણ આનંદ થતો નથી. મારી મનોદેવતા તો વિરુદ્ધ પક્ષે મને એમ જ કહે છે કે, તે બિચારી ખરેખર નિરપરાધિની જ હશે. કદાચિત એમ જ હોય, તો તેને એકાએક શિક્ષા આપવાથી કેટલા બધા અન્યાયનો સંભવ છે, એની કલ્પના તો કરો.