પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
ચાણકયચક્રચાલન.

આ પ્રસંગ ઉત્તમ છે, એમ ધારીને તે બોલ્યો કે, “સેનાધ્યક્ષ ભાગુરાયણ ! સત્યપક્ષને માટે તમારો પક્ષપાત જોઇને મને ઘણો જ આનંદ થાય છે. જો કે રાક્ષસની તેની સ્વામિનિષ્ઠા માટે સર્વત્ર ઘણી જ વિખ્યાતિ છે, પરંતુ તેના હૃદયમાં સત્યની નિષ્ઠા કેટલીક છે, તે તો પરમાત્મા જાણે ! તારી સત્યનિષ્ઠાનું ફળ તને સત્વર જ મળશે, ચિન્તા કરીશ નહિ. તું જેવા વિશ્વાસથી મને આ તારી વીતેલી વાર્તા સંભળાવે છે, તેવી જ રીતે મારો પણ એક બે વાતો તને જણાવવાનો મને ભાવ થએલો છે. પણ પ્રથમ હું એક પ્રશ્ન કરું તેનું તું યથાર્થ ઉત્તર આપ. સમજ કે, મુરાદેવીનો એ પુત્ર મરી નથી ગયો પણ હજી જીવતો જ છે, એમ જો તારી કોઈ પક્કી ખાત્રી કરી આપે - એટલું જ નહિ પણ તેને તારા સમક્ષ લાવીને ઊભો રાખે, તો તેના લાભ માટે તું શો પ્રયત્ન કરવાને તૈયાર થઈશ વારુ? એ બાળક ખરેખર જીવતો જ છે અને હું જ તેને લાવી આપીશ, એમ સમજવાનું નથી – હું તે માત્ર તને વિનોદમાં જ પૂછું છું અને તારો શો મનોભાવ છે, તે જાણવા માગું છું.”

“બ્રાહ્મણવર્ય ! તમે વિનોદમાં જ પૂછો છો, તો હું પણ વિનોદમાં જ જણાવું છું કે, જો મુરાદેવીનો પુત્ર ખરેખર જ મારા જોવામાં આવે તો હું તેને અવશ્ય યૌવરાજપદ અપાવવાનો પ્રયત્ન કરીશ અને તેમ કરતાં પ્રસંગ ગંભીર થશે, તો અંત પર્યન્ત તેના માટે હું લડીશ અને આ આખું રાજ્ય તેને અપાવીશ. મારી એવી ધારણા હતી કે, એ બાળકને જો રાસક્ષ આદિએ ઘાત કરીને મારી નાંખ્યો ન હોત, તો મહારાજાધિરાજ બનીને તેણે કોઈમોટા સામ્રાજ્યની સ્થાપના કરી હોત. તેના જન્મના ગ્રહો જ એવા હતા અને તેનાં સામુદ્રિક ચિન્હો પણ એ જ ભવિષ્ય દર્શાવતાં હતાં, પરંતુ વિધિની કેવી વિચિત્રતા કે પ્રફુલ્લ થવાના સમયે જ કુસુમ કરમાઈ ગયું.”

“તું તેને રાજ્ય અપાવવાની ઇચ્છા રાખે છે, પણ તે પૂરી કેવી રીતે થશે ? સઘળું સૈન્ય તારી સત્તાતળે હોય, તો પણ રાજા અને સચિવનાં નાશના કાર્યમાં તો તને અનુકૂળ થશે કે નહિ, એની શંકા જ છે, અર્થાત્ માત્ર તારા સૈન્ય પર જ આધાર રાખવાથી કાંઈ પણ વળવાનું નથી. મને રાજનીતિ ઘણી જ પ્રિય હોવાથી હું પ્રશ્નોત્તર કરીને તારા સંગે માત્ર વિનોદ જ કરું છું. હવે આપણે એવી કલ્પના કરીએ, કે તું પોતાની ઇચ્છાને પૂર્ણ કરવાની સઘળી યોજના કરી ચૂક્યો ને તે રાજા તથા પ્રધાનથી વિરુદ્ધ છે, એમ જાણવા છતાં પણ સૈનિકો તારી આજ્ઞાને માન આપશે ખરા કે? કદાચિત્ તારા સૈનિકો તારી આજ્ઞાને માન્ય ન કરે