પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તો તારી કેવી દુર્દશા થાય વારુ? જો એવો પ્રસંગ આવી પડે, તો તે વેળાએ તું કેવી યુક્તિથી પોતાનું કાર્ય સાધે, તે કહી બતાવ.” ચાણક્યે કહ્યું.

“બ્રાહ્મણવર્ય ચાણક્ય મુને ! આવા શુષ્ક વાદમાં કાંઇ પણ સાર સમાયલો હોય, એમ મારું ધારવું તો નથી જ ! મારો એ તો દૃઢ નિશ્ચય છે કે, મારી સેનાના સૈનિકો સર્વથા મારી આજ્ઞામાં જ છે. હું જે કહું, તેનાથી જરાપણ વિરુદ્ધ કાર્ય તેઓ કરવાના નથી. વધારે તો હું અત્યારે કાંઈ પણ બોલતો નથી, પણ જો એવો પ્રસંગ આવી જ પહોંચ્યો - જો કે તેવો સંભવ તો નથી જ - તો આપને જે મેં કહેલું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે કે નહિ, તે હું તમને બતાવીશ.” ભાગુરાયણે પોતાની સત્તાની દૃઢતાનું પ્રબળતાથી દર્શન કરાવતાં કહ્યું.

“તારા બોલવામાં સત્યતા નથી, એમ મારું માનવું નથી. વિરુદ્ધ પક્ષે મારી તો એવી જ ધારણા છે, કે તું એક મહા સત્યપરાયણ પુરુષ છે. પણ ભાગુરાયણ ! સત્યના સંરક્ષણ માટે માત્ર સત્યનિષ્ઠા જ ઉપયોગી થતી નથી. તેમાં થોડોક દંડનીતિનો પણ ઉપયોગ કરવો પડે છે. નીતિશાસ્ત્રના મહાગુરુ કણિકે પણ કહેલું છે કે, શત્રુને પટકી મારવાનો યોગ્ય સંધિ આવે ત્યાં સૂધી તેને ખભે ઉપાડીને લઈ જવાની જરૂર પડે તો તેમ કરવામાં પણ કાંઈ ચિન્તા નથી - તેમ કરવું અને યોગ્ય વેળા આવે એટલે તેને પછાડી મારવામાં પળમાત્રનો પણ વિલંબ કરવો નહિ. એ ન્યાયને અનુસરીને જ હું કહું છું કે, સત્ય હોય તો તેને પણ થોડીકવાર છૂપાવીને બહારથી અસત્યનો જ આશ્રય લેવો. જો તું એમ નહિ કરે, તો તારી સત્યનિષ્ઠા કાંઈ પણ ઉપયોગી થવાની નથી. હું કહું છું, તે વિશે દીર્ધ વિચાર કર. આ પણ એક નીતિશાસ્ત્રનો પાઠ જ છે.”

ચાણક્યનો એ નીતિવાદ સાંભળીને ભાગુરાયણ બોલ્યો, “બ્રહ્મન્ ! તમારાં વચનો સર્વથા સત્ય છે. જો એવો સમય આવશે, તો હું કપટનીતિનું અવલંબન નહિ કરું, એમ તમારે ધારવું નહિ. પરંતુ આવી કાલ્પનિક વાર્તાઓમાં ધ્યાન પરોવીને વ્યર્થ વાદવિવાદ કરવામાં શો સાર છે? એ બાબતને હવે છોડી જ દઇએ તો સારું છે. મુરાદેવીનો પુત્ર હવે કાંઈ પાછો જીવતો થવાનો નથી અને આપણે કાંઈ કરવાના નથી. એ તો બધી કલ્પના જ છે. કેમ નહિ?”

“હા - છે તો તેમ જ ” ચાણક્ય કિંચિત્ વિચાર કરીને બેાલ્યો. “પરંતુ તારા જેવા રાજપુરુષનો અને રાજકાર્યધુરંધરનો મેળાપ થયો હોય અને આવા રાજનીતિના વિષયો કાઢીને વાદવિવાદ ન કરીએ, તો બીજા