પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

રાક્ષસ પોતાના ગુપ્ત દૂતો રાખે છે અને તેમના કાંઈ પણ આડા અવળા સમાચાર સાંભળી મને બોલાવીને આવી રીતે પ્રશ્ન કરે છે.” એ વાત મનમાં આવતાં જ તે છેડાયલાનાગ પ્રમાણે લાલપીળો થઈ ગયો. તેના કોપની પ્રબળતા એટલી બધી થઈ ગઈ હતી કે, તેને કોઈપણ રીતે દાબી દઈ શકાય તેમ હતું નહિ; તોપણ જેટલું બને તેટલું આત્મસંયમન કરીને ભાગુરાયણ અમાત્યને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! મને ભેાજન પરથી ઉઠાડી અાટલો ત્વરાથી બોલાવીને એકાએક આવા પ્રશ્નો પૂછવામાં આપનો હેતુ શો છે, તે કૃપા કરીને જણાવશો કે? આપનો ભાવ કાંઇક ભિન્ન પ્રકારનો હોય, એવું અનુમાન સ્પષ્ટ રીતે કરી શકાય છે.”

પોતાના પ્રશ્નથી સેનાપતિના મનમાં ક્રોધનો આવિર્ભાવ થયો છે, એ રાક્ષસ તત્કાળ જાણી ગયો, તથાપિ જાણે પોતે કાંઈ પણ જાણતો જ ન હોયની ! એવા ડોળથી તે શાંતિ ધારીને બોલ્યો કે, “સેનાધ્યક્ષ ! મને એ બ્રાહ્મણ વિશે કાંઈક સંશય છે, અને ગુપ્ત ચારો દ્વારા તપાસ કરાવતાં એ મારા સંશયને દૃઢ કરનારાં કેટલાંક કારણો પણ મળી આવ્યાં છે. ૫રંતુ આ૫ ૫ણ ત્યાં જાઓછો, એવા સમાચાર મને મળવાથી એકવાર આપને એ વિશે પૂછવાના વિચારમાં હું હતો. જો કે એક બે વાર આપનો અને મારો મેળાપ થયો હતો, પણ તે વેળાએ મને આ વિષયનું સ્મરણ થયું ન હતું - આજ સહજ સ્મરણ થયું, એટલે પાછું વિસ્મરણ થશે તો વળી વાત આગળ ઉપર પડશે, એટલા માટે મેં આપને આમંત્રણ મોકલ્યું. બીજો એમાં મારો કાંઈ પણ હેતુ નથી.” એટલું બોલીને અમાત્ય રાક્ષસ એક ધ્યાનથી સેનાપતિ ભાગુરાયણની મુખમુદ્રાનું અવલોકન કરતો બેઠો. “સહજ સ્મરણ થયું.” એ રાક્ષસના શબ્દો સર્વથા અસત્ય હતા, ભાગુરાયણ રોજ સંગમતીરે જાય છે, ત્યાં ઘણીવાર સૂધી બેસે છે, નાના પ્રકારનો વાર્ત્તાલાપ કરે છે, એ સઘળી બીના રાક્ષસના જાણવામાં આવી હતી, અને તેથી જ તેણે સેનાનાયકને બોલાવ્યો હતો; એ વાત ભાગુરાયણ પોતે પણ સારી રીતે જાણતો હતો. પરંતુ રાક્ષસને તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ ન હોવાથી તે બીજા જ ભાવથી કહેવા લાગ્યો કે, “હું એ બ્રાહ્મણ વિશે કાંઈ પણ વધારે જાણતો નથી. એક વેળા તે મારે ત્યાં આવ્યો હતો અને એમ કહ્યું હતું કે, હું પરદેશી મનુષ્ય છું અને ચાર દિવસ આ ગંગાતીરે રહેવા માટે આવેલો છું – અહીં આપના જેવા મહાશયોનો મેળાપ થવાની આશાથી જ હું આવેલો છું. એના બોલવા ચાલવા પરથી એ બ્રાહ્મણ સારો વિદ્વાન હોવો જોઈએ, એવો મારો નિશ્ચય થયો અને તેથી જ એનાથી બોલવા ચાલવાનો મેં વધારે પરિચય રાખ્યો. એ