કેવો નમ્ર અને ઉત્તમ બ્રાહ્મણ છે - તેમ જ બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન પણ છે - તેને એ દેશનિકાલ કરવાનો છે; તે શામાટે ? તે મુરાદેવીના મોસાળપક્ષનો છે તેટલામાટે જ. ધન્ય-ધન્ય રાક્ષસ અમાત્ય ! જો તું આવી રીતે સંશયથી જ વર્ત્યા કરીશ, તો મારા જેવા માની પુરુષો એક ક્ષણમાત્ર પણ આ પાટલિપુત્રમાં વસવાના નથી. આર્ય ચાણક્યે આજે સાંઝે વાતો કરતાં કરતાં વિનોદમાં જ જે રાજનીતિની વાત કાઢી હતી, તે પ્રમાણે જો તે બાળક ખરેખર જીવતો જ હોય, તો આ અભિમાની આમાત્યની, તેનો પક્ષ લઈને કેવી ખોડ ભૂલાવી શકાય ! પણ અફસોસ ! કે તેમ નથી. એ વાત તો શક્ય ક્યાંથી થઈ શકે ? મારાઓની તલવારથી હિમાલયનાં અરણ્યમાં કપાઈ ગએલું બાળક આજે જીવતું ક્યાંથી હોઈ શકે વારુ ? પણ જો હોય તો ? વાહ વાહ - તો તો પછી બીજું શું જોઇએ ? જો એમ હોય તો અમાત્યની હું સારી રીતે ફજેતી કરી શકીશ. રાજા ધનાનન્દને શું છે - તે પોતે તો આજ કાલ રાજ્યકાર્યભારમાં ભાગ લેતો જ નથી – એટલે એને તો પોતાને સ્થાને સુમાલ્ય હોય કે બીજો કાઈ હોય, તો તે સરખું જ છે. જો એ બાળક જીવતો હોય, તો યુવરાજ થવાનો અને રાજ્યાસને વિરાજવાનો ખરો અધિકાર તો તેનો જ છે.” એવા પ્રકારના અનેક પરંતુ એક જ પ્રકારના વિચારોનો પ્રવાહ તેના મનમાં વહ્યો જતો હતો અને તે પોતાનો માર્ગ કાપતો જતો હતો. તે પોતાના મંદિરમાં આવી પહોંચ્યો. તેની ક્ષુધા તો મરી જ ગએલી હતી, એટલે તે શય્યામાં આળોટ્યો. પણ એ વિચારોની ધાંધલથી આખી રાત તેને નિદ્રા આવી નહિ. તેની એવી ધારણા થઈ કે, “અમાત્યના મનમાં ચાણક્યવિષે જે શંકા આવેલી છે, તેથી એ બ્રાહ્મણને જાણીતો કરી દેવો જોઇએ. કોણ જાણે રાક્ષસ કાંઈ પણ ઉંધું ચત્તું કરી નાંખે તો ! બીજો કોઇ દૂત આવીને બીજી કાંઇ વાત કહેશે અને તેથી તેના મનમાં વળી બીજો જ કાંઈ ભાવ થતાં તે વિના કારણ એ બ્રાહ્મણનું અપમાન કરીને તેને આ પાટલિપુત્રમાંથી દેશનિકાલ કરી દેશે. એના કરતાં આપણે જ તે બ્રાહ્મણને સાવધ કરવો, એ વધારે સારું.” મનમાં એવો વિચાર આવતાં જ સવાર થવાની તે કાગને ડોળે વાટ જોતો બેઠો અને પાછો દિવસ કયારે આથમે અને ચાણક્યને ક્યારે મળી શકાય, એની ચિન્તામાં જ તે સર્વથા નિમગ્ન થઈ ગયો.
બીજા દિવસનો સૂર્ય ઉદિત થયો અને પાછો તે અસ્તાચલમાં પણ ચાલ્યો ગયો. સંધ્યાકાળ થતાં જ ભાગુરાયણ ચાણક્ય પાસે ગયો. પોતાની પાછળ જાસૂસો ફર્યા કરે છે, એ તો ગઈ કાલથી જાણી ગયો હતો. એટલે આજે તેવા કોઈ જાસૂસો પાછળ છે કે નહિ, તે જોવાને તેણે ચારે તરફ