ચાણક્યનું એ ઉત્તર સાંભળીને સેનાપતિ સર્વથા સ્તબ્ધ જ થઈ
ગયો. થોડીવાર રહીને તે બોલ્યો, “આપે મને પોતાનો જે વૃત્તાંત
કહી સંભળાવ્યો છે, તેથી ખરેખરો વૃત્તાંત કાંઈક ભિન્ન છે કે શું ? જો
તેમ હોય તો તે ભેદ મને જણાવો, એવી મારી વિનતિ છે. એનું
યથાર્થ ઉત્તર મને મળશે, એટલે આગળ મારે જે કહેવાનું છે, તે કહી
સંભળાવીશ.”
ચાણક્ય હસ્યો અને ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “સેનાપતે ! ગઈ કાલે રાત્રે તારા અહીંથી ગયા પછી તને મારાવિષે કોઈએ કાંઈ પણ કહેલું હોવું જોઇએ. એ વિના તારા મુખમાંથી આવો પ્રશ્ન નીકળે, એ અસંભવિત છે. માટે તને ભંભેરીને તારા મનમાં આવી રીતે પૂછવાની જેણે ઇચ્છા ઉપજાવી છે, તેને જ તેં જે કાંઈ વધારે પૂછી લીધું હોત, તો ખાસ આટલા કાર્યમાટે જ તને મારે ત્યાં આવવાની અગત્ય રહી ન હોત. આ ગરીબ બ્રાહ્મણનો વૃત્તાંત તને સંભળાવ્યો છે, તેથી ભિન્ન તે શો હોઈ શકે વારુ ? જે કાંઈ હતું તે તો મેં તને કહી દીધું છે. પરંતુ એથી જૂદો મારો બીજો જ વૃત્તાંત છે, એમ જો તને કોઈએ કહ્યું હોય, તો તે મને કહે- એટલે એમાં સત્ય અને અસત્ય કેટલું છે, તે હું તને બતાવી આપું. બાકી તને કોઈએ સાચી ખોટી વાત કહેલી છે, એનો તર્ક તો મેં કરી જ લીધો છે. સેનાધ્યક્ષ ! નીતિશાસ્ત્રનું એ તત્ત્વ જ છે કે, પોતાના રાજ્યમાં જે કોઈ પણ નવો પુરુષ આવે, તેની પૂઠે જાસૂસો લગાડી દેવા અને તે શું કરે છે, ક્યાં ક્યાં જાય આવે છે, કોનાથી વાતચિત કરે છે, ઇત્યાદિ બાબતોની તપાસ રાખવી. એ તત્ત્વને અનુસરીને અમાત્ય રાક્ષસે મારી ચર્યા જોવાને ગુપ્તચરોની યોજના કરેલી હશે જ, એ કાંઈ મારી જાણ બહાર નથી. રાજા સર્વદા ચાર ચક્ષુવાળો કહેવાય છે. હાલમાં રાજાનું કાર્ય અમાત્ય રાક્ષસ ચલાવે છે, માટે તે પણ ચારચક્ષુવાળો થયો હોય, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. પરંતુ જ્યારે મારા જીવનચરિત્રમાં કાંઈ ભેદ અને રહસ્ય જેવું છે જ નહિ, ત્યારે મારે ડરવાનું શું કારણ છે? પણ સેનાપતે ! જે ખરો નીતિશાસ્ત્રને જાણનારો હોય છે, તે માત્ર પોતાના જાસૂસોનાં વચનોમાં જ વિશ્વાસ નથી રાખતો; કિન્તુ જાસૂસોએ લાવી આપેલી બાતમીઓની પોતે પરીક્ષા કરીને ત્યાર પછી જ તેનો નિશ્ચય કરે છે. માટે આ દરિદ્રી બ્રાહ્મણ વિશે જો તને કોઇએ કાંઇપણ પૂછ્યું હોય, તો તે પૂછનાર અમાત્ય રાક્ષસ જ હોવો જોઇએ. કારણ કે, જેવી રીતે તેના અનુચરો મારી પૂઠે ભમતા હશે, તેવી રીતે તે તારી પૂઠે પણ ભમતા હોવા જોઇએ. એથી જ તારું અહીં જવું આવવું છે, એની તેને ખબર