લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
અમાત્ય રાક્ષસ.


ઉપર કહેલું જ છે કે, અમાત્ય રાક્ષસ આ વેળાએ માત્ર પોતે એકલો જ બેઠેલો હતો અને કોઈ ગૂઢ વિચારમાં નિમગ્ન થઈ ગયો હતો. રાજ્યની તાત્કાલિક સ્થિતિ તે એના વિચારનો મુખ્ય વિષય હતો અને તે સાથે મુરાદેવી, તેનો ભત્રીજો અને આર્ય ચાણક્ય એ ત્રયીનો વધારે સંબંધ સંધાયલો હતો. તેનો વિચારપ્રવાહ આ પ્રમાણે વહેતો જતો હતો. “મુરાદેવી બંધનમુક્ત થઈ, તે દિવસથી રાજાના મનમાં તેણે પોતાનો એટલો બધો પ્રભાવ પાડી દીધો છે કે, મને પણ રાજાને મળતાં અડચણ પડવા લાગી છે. એ સર્વ થયું કેમ?” એનું જ એને રહી રહીને આશ્ચર્ય થયા કરતું હતું. એણે પોતાની સઘળી ચતુરતાને એકત્ર કરી ઘણોય વિચાર કર્યો, પરંતુ જેમ જેમ તે વધારે અને વધારે વિચાર કરતો ગયો, તેમ તેમ આશ્ચર્ય પણ વધારે અને વધારે જ થવા લાગ્યું. અર્થાત્ બીજું કાંઈપણ પરિણામ થયું નહિ. “જો રાજા મુરાદેવીના મોહજાળમાંથી મુક્ત નહિ થાય, તો અંતે કોણ જાણે કેવું પરિણામ આવશે, એનો નિયમ નથી.” એમ પણ તેને ભાસવા લાગ્યું. પરંતુ મુરાદેવીએ પોતાના પાડેલા પ્રભાવને રાજાના મનમાંથી કાઢી નાંખીને પાછા તેને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે શો ઉપાય કરવા, એની તેને સૂઝ પડી નહિ. “મુરાદેવી એક ક્ષણ માત્ર પણ દૂર થતી નથી અને કદાચિત્ દૂર થાય છે તો એવા પ્રસંગે કે જ્યારે રાજા સમક્ષ અન્ય કોઈ પણ મનુષ્ય હોય નહિ. બીજા કોઈના આવવાનો તેના મનમાં જરા પણ સંશય આવ્યો, કે ઝટપટ તે ત્યાં પાછી હાજર થઈ જાય છે. જેવી રીતે બીજાં સ્થાનોમાં મેં મારા ગુપ્ત દૂતો રાખેલા છે, તેવી જ રીતે હવે મુરાદેવીના મંદિરમાં પણ ગુપ્ત વાર્તાઓને જાણી લેવા માટે કોઈ વ્યક્તિને રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ,” એવો તેણે મનમાં નિશ્ચય કર્યો. પોતાના અંતઃપુરની કોઈદાસીદ્વારા ત્યાંની કોઈ દાસીને ખૂટવવાની ધારણા કરી અને તે પ્રમાણે તેણે કાર્યનો ઉપક્રમ પણ કર્યો. મુરાદેવીની ઘણી જ પ્રિયપાત્રા અને વિશ્વાસુ દાસી વૃન્દમાલા છે, એ તેના જાણવામાં હતું. તેથી એને જ મેળવી લીધાથી વધારે લાભનો સંભવ છે, એવા નિશ્ચયથી એક વાર વૃન્દમાલાને બોલાવી તેની સાથે એકાંતમાં વાતચિત કરવાનો પ્રસંગ મળે, એવી તેણે યેાજના કરી. “જો વૃન્દમાલા જેવી દાસી મને અનુકૂલ થાય, તો તો ઘણું જ સારું, કારણ કે, મુરાદેવી કેવી રીતે બોલે છે અને કેવી રીતે ચાલે છે, તે સર્વ હું જાણી શકીશ અને એ બધી વાતો જાણવામાં આવી, એટલે પછી રાજાને ઠેકાણે લાવવામાં વધારે શ્રમ પડશે નહિ. જો વૃન્દમાલા એકવાર અહીં આવે અને તેની તથા મારી પરસ્પર વાતચિત થાય, એટલે તે મને અનુકૂલ થઈ જ સમજવી. એ સ્ત્રી કાંઈ સામાન્ય જનો કરતાં