વધારે બુદ્ધિવાળી તો નહિ જ હોય.” એવું તેણે કાવત્રું કરવું ધાર્યું અને એકબે દિવસમાં તે સિદ્ધ થઈ શકે, એવી કેટલીક યોગ્ય વ્યવસ્થા પણ કરી દીધી.
મુરાદેવી વિશેના વિચારને હવે હૃદયમાંથી દૂર કરી તેનું સ્થાન તેણે ચન્દ્રગુપ્ત વિશેના વિચારોને આપ્યું. ચન્દ્રગુપ્તને જોયો, તે દિવસથી રાક્ષસ કાંઈક વિચિત્ર ચિન્તામાં પડી ગયો હતો. કોઈ તેજસ્વી, અત્યંત ચંચળ અને પીળું નાગનું બચ્યું જોવામાં આવે ત્યારે પ્રથમ આપણા મનમાં કાંઈક આનંદ અને કૌતુકનો ભાવ થાય છે, અને તેની ચપળતાથી મન મોહિત પણ થઈ જાય છે; પણ બીજી જ પળે એનાથી આપણો જીવ જોખમમાં છે, માટે એને પાસે રાખવું ન જોઈએ – વિરુદ્ધ પક્ષે દૂર કરવું કે એને મારી નાંખવું જોઇએ - એવો આપણો ભાવ બદલાઈ જાય છે, અને આપણે તેને મારવાનાં સાધનો શોધવા માંડીએ છીએ. એવી જ ચન્દ્રગુપ્તને જોતાં અમાત્ય રાક્ષસના મનની સ્થિતિ થએલી હતી. ચન્દ્રગુપ્ત, ઘણો જ સુંદર તેજસ્વી, ચતુર, સર્વ કળાએામાં પ્રવીણ અને સાહસી યુવક છે, એવો તેનો સર્વથા નિશ્ચય થઈ ગયો હતો, અને એ નિશ્ચય પ્રમાણે થોડા દિવસમાં અનુભવ પણ થયો. પરંતુ તેની મુખમુદ્રામાં કાંઈક એવી વિચિત્રતા હતી કે, જેથી એ બાળક મુરાદેવીના સંબંધથી પાટલિપુત્રમાં આવ્યો છે, એ સારું નથી, એને અહીં લાંબો સમય ટકવા દેવો ન જોઈએ અને જો ટકવા દીધો તો કોણ જાણે શું સંકટ આવશે ને શું નહિ, એનો નિયમ નથી. એવી તેના વિશે અમાત્યની ભયંકર ધારણા થઈ “મુરાદેવી આજ કાલ રાજાની જીવ કે પ્રાણ જ બની રહેલી છે. તેથી તેના ભત્રીજાના સંબંધમાં હું કાંઈ પણ ખટપટ કરું છું, એની જો રાજાને ખબર પડશે, તો રાજાની મારા પર ઇતરાજી થવાનો પણ સંભવ છે; માટે એ બાળકના વિષયમાં જે કાંઈપણ ઊંધું ચત્તું કરવું હોય, તે ગુપ્ત રીતે જ કરવું જોઈએ.” એવો તેણે નિશ્ચય કર્યો. પ્રથમ તો ચન્દ્રગુપ્ત તે ખરેખર મુરાદેવીના બંધુનો પુત્ર છે કે નહિ, એના શોધનો વિચાર કરીને તે પ્રમાણે હિમાલયમાંના પ્રદ્યુમ્રદેવના રાજ્યમાં તેને પુત્ર છે કે નહિ, એની ખબર મેળવવાના હેતુથી એક ગુપ્ત દૂતને મોકલવાને તે તૈયાર થયો. તેણે પોતાના પ્રતિહારીને બોલાવીને “હિરણ્યગુપ્તને બોલાવી લાવ.” એવી આજ્ઞા કરી, પ્રતિહારી જેવી આપની આજ્ઞા” એમ કહીને ઉભો રહ્યો. એટલે અમાત્યે કહ્યું કે, “કહેલું કાર્ય તત્કાળ કરી આવવાને બદલે તું ઊભો કેમ રહ્યો?” એવો પ્રશ્ન પૂછાતાં જ તે પ્રતિહારીએ હાથ જોડીને જવાબ આપ્યો કે, “અમાત્યરાજ હિમાલયમાંથી કોઈ ભિલ્લ દૂત પોતાના રાજાની પત્રિકા લઈને આવેલો છે અને તે આપને આપવાની ઇચ્છા કરતો બેઠો છે.”