પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એક ઋષિ સમાન પંડિત સાથે ત્યાં મોકલવામાં આવ્યા છે. યુવરાજને ભિન્ન ભિન્ન દેશો જોવાનો લાભ મળે અને આપના જેવા ચતુર તથા નીતિજ્ઞ અમાત્યશ્રેષ્ઠોનાં દર્શનનો પણ લાભ મળે, તેમજ આપની રાજ્યવ્યવસ્થા પણ તેના જોવામાં આવે, એટલા જ હેતુથી અમે યુવરાજને પાઠવ્યો છે. તે જ્યાં સુધી પાટલિપુત્રમાં રહે, ત્યાં સુધી આપના છત્ર તળે છે, તેથી જ હું નિશ્ચિંત થયો છું. આપના જેવા અમાત્યો કાંઈ બધા રાજાઓને મળી નથી શકતા, તેમ જ આપના જેવાનાં દર્શનનો અને આપ પાસેથી શિક્ષણનો લાભ પણ ઘણા જ થોડાને મળી શકે છે. પરંતુ એ દુર્લભ લાભ ચંદ્રગુપ્તને મળે, એવી ધારણાથી જ તેને ત્યાં મોકલવામાં આવ્યો છે. આર્ય ચાણક્ય ઘણો જ નિરપેક્ષ અને નિઃસ્પૃહી બ્રાહ્મણ છે - અર્થાત તેથી તે કોઈ મહાન પદવીધરને ઘેર ચાલી ચલાવીને જાય તેવો નથી. તેથી જ આ પત્રિકા મોકલવી પડી છે. ચન્દ્રગુપ્ત પોતાનો જ છે, એમ માનીને તેનાપર કૃપાદષ્ટિ રાખવી. ઈતિશમ્ લેખન મર્યાદા.”

એ પત્રિકા વાંચીને અમાત્ય રાક્ષસ ઘણો જ ચકિત થઈ ગયો. પ્રદ્યુમનદેવ આવા માન સન્માનથી પોતાપર પત્ર મોકલશે, એની તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, અને તેથી જ થોડી વાર પહેલાં તેણે પ્રદ્યુમ્નદેવના રાજ્યમાં ગુપ્ત દૂત મોકલવાનો અને ત્યાંની ગુપ્ત માહિતી મેળવવાનો વિચાર કર્યો હતો. પણ હવે જાસુસને મોકલવાની શી જરૂર હોય? એ ધૂલીધૂસર ભિલ્લ તેની પત્રિકા લઈને આવ્યો, ત્યારે હવે શંકા શી રહી ? ચન્દ્રગુપ્ત અને મુરાદેવીના રૂપમાં સામ્ય દેખાયું હતું, તે યોગ્ય જ હતું - હવે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ હતું નહિ. એવા એવા વિચારોથી અંતે તેણે નિશ્ચય કર્યો કે, “પ્રદ્યુમ્નદેવે આવી નમ્રતાથી પત્રિકા લખી છે અને હું તેનો અનાદર કરું તે ઠીક ન કહેવાય. ગમે તેવા હોય તોય તે પણ એક રાજા તો છે જ - જયારે એણે પોતે જ આવી નમ્રતા દેખાડી છે, ત્યારે હું પણ એ નમ્રતાને માન આપી તેના પુત્રમાં પ્રેમ રાખું, એ મારું કર્તવ્ય છે. મારા મનમાં જે શંકા હતી, તે નીકળી ગઈ છે. માટે હવે એ વિશે વિચાર કરવો વ્યર્થ છે.” એ નિશ્ચય પછી તેણે એ પત્રના ઉત્તરમાં એક ઘણું જ નમ્રતા અને વિનયથી ભરેલું પત્ર લખ્યું અને તે ભિલ્લને આપી તેને સારી રીતે જમાડીને રવાના કરવાનો તેણે પ્રતિહારીને હુકમ આપ્યો. ભિલ્લ ત્યાંથી ચાલતો થયો. ધારવા કરતાં પરિણામ વિચિત્ર જ આવ્યું.

થોડી જ વારમાં હિરણ્યગુપ્ત આવી પહોંચ્યો. હિરણ્યગુપ્ત તે અમાત્ય રાક્ષસના અત્યંત વિશ્વાસુ સેવકોમાંનો એક હતો. જેટલા દૂતો રાક્ષસની આજ્ઞાથી કાર્યો કરતા હતા, તે સર્વ કોણ છે અને કેવા છે,