પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

હિમાલયના પૂર્વભાગમાં હોત, તો આ પશ્ચિમ દેશમાં શી રાજ્યક્રાન્તિ ચાલે છે, એની કોઈ કાળે પણ તેમને જાણ થઈ શકત નહિ. પરંતુ સિકંદરે આક્રાન્ત કરેલા પંજાબ અને મગધદેશની પશ્ચિમ મર્યાદાના મધ્ય ભાગમાં આવેલી ઉત્તર વિભાગસ્થ દરીઓમાં વસનારા એ દીન મનુષ્યોને મહત્ત્વાકાંક્ષી યવનોથી ઘણોજ ત્રાસ થવા માંડ્યો હતો. સિકંદર બાદશાહે હિંદુસ્તાનમાં આવ્યા પછી પાછા સરહદની બહાર જતાં સુધીમાં લગભગ વીસ મહિના જેટલોજ સમય વીતાડ્યો હતો. પરન્તુ પંજાબના રાજાનો પૂર્ણ પરાભવ કરવાથી તેની ભૂતૃષ્ણા અધિક તીક્ષ્ણ થતાં ગંગાના તટને ઉલ્લંઘીને મગધ દેશને પણ જીતી લેવાની તેને મહત્ત્વાકાંક્ષા થઈ આવી. એ મહાત્ત્વાકાંક્ષાને લીધેજ ઉપર કહેલા મધ્ય પ્રાંતના નિવાસીઓને એની ચઢાઈઓથી ઘણો ત્રાસ થવા લાગ્યો હતો. હલ્લાઓ કરીને ઢોરોને ઉપાડી જવાં અને કવચિત્ કવચિત્ સ્ત્રિયોનું પણ હરણ કરવું ઈત્યાદિ તેમનાં દુષ્ટ કર્મો ચાલૂજ હતાં. પર્વતની તળેટીમાં રહેનારા લોકો તો એ લુટારાઓના હલ્લાથી એટલા બધા કંટાળી ગયા હતા, કે પોતપોતાનાં ઝૂંપડાં અને ઢોરોના ગોઠાને ત્યાંથી ઉઠાવીને તેમણે હિમાલયના અંતર્ભાગમાં આવેલા ગહન અરણ્યમાં જ જઈ વસવાનું વધારે યોગ્ય વિચાર્યું, “જંગલી હિંસ્ર પશુઓ ચાર ઢોરોને મારીને ખાઈ જાય તે સારું; પણ એ દુષ્ટ યવનોનો ત્રાસ નઠારો !” એવો જ પ્રત્યેકનો વિચાર થઈ ગયો હતો. એ પર્વત નિવાસીઓને એવો દુ:ખદાયક અનુભવ મળેલો હોવાથી યવનોનું નામ નીકળતાં જ જો તેમના હૃદયમાં સંતાપ થાય, તો તે સ્વભાવિક જ કહેવાય. એ સમસ્ત વૃત્તાંત જાણવા પછી ઉપર્યુક્ત ગોપાલકોના ઉદ્દગારનું વાચકોને આશ્ચર્ય લાગશે નહિ. વાત પરથી વાત નીકળતાં પ્રત્યેક ગ્રીક લોકોએ એટલે યવનોએ કરવા માંડેલા બલાત્કારના કોઈના મોઢેથી સાંભળેલા અથવા પ્રત્યક્ષ અનુભવેલા વૃત્તાંતો કહી સંભળાવ્યા. ગ્રીક લોકોમાં ગવાલંભના – બળદ યજ્ઞના - સ્થંડિલમાં બળિદાન આપવાનો પરિપાઠ હતો, – તેથી ગ્રીક લોકનો જય થયો, તે વેળાએ એ ગરીબ ગોવાળિયાઓના સારા હૃષ્ટપુષ્ટ બળદોને બલાત્કારે પકડી લઈ જઈને તેમના અનેકવાર યજ્ઞો કર્યા હતા. એ સઘળા ત્રાસોથી તે ગોવાળિયાઓ ઘણા જ દુ:ખી થઈ ગયા હતા; અને “આ દુષ્ટને શિક્ષા કરવાને કોઈ પુરુષ પુંગવ કેમ અવતરતો નથી?” એમ વારંવાર બોલીને તેઓ પરમેશ્વરને પણ ઉપાલંભ આપતા હતા. પરંતુ એ તેમની પ્રાર્થના પરમેશ્વર સાંભળતો હોય, એવું કોઈ ચિન્હ અદ્યાપિ તો તેમના જોવામાં આવ્યું નહિ - તેઓ સર્વથા નિરાશ થએલા હતા.