પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
અમાત્ય રાક્ષસ.

આવવાનો શ્રમ આપવો પડ્યો છે. વળી તમારી, સ્વામિનીમાં વિલક્ષણ નિષ્ઠા છે, એમ સાંભળીને તો તમારા અદ્વિતીય ગુણુમાટે તમને કાંઈક પારિતોષિક આપવાની પણ મારી ભાવના થએલી છે. તમે તો જાણતા જ હશો કે, સ્વામિનિષ્ઠ મનુષ્યો મને ઘણાં જ પ્રિય હોય છે.” અમાત્ય રાક્ષસે પોતાની ચતુરતાની જાળનો વિસ્તાર કરવા માંડ્યો.

“શાની સ્વામિનિષ્ઠા? પહેરાવેલાં વસ્ત્રોની અને ખવડાવેલા અન્નની અમે ચાકરડીઓ – અમારામાં વળી સ્વામિનિષ્ઠા તે ક્યાંથી આવી ? અને મારા જેવી એક ગરીબ દાસીએ પારિતોષિકને પણ શું કરવાનું છે?” વૃન્દમાલાએ પોતાની નિરભિમાનતા દેખાડનારાં વચનો ઉચ્ચાર્યાં.

“પારિતોષિક અમે પોતે જ આપતા હોઇએ તો તમને તે લેવામાં શી હરકત છે? લ્યો.” એમ કહીને અમાત્યે પોતે બેઠો હતો, તે આસન તળેથી બે સુવર્ણકંકણો કાઢ્યાં અને વૃન્દમાલાના હાથમાં આપ્યાં. તેણે પણ પ્રથમ થોડી હાના કરીને પછી તેનો તત્કાળ સ્વીકાર કર્યો.

ત્યાર પછી અમાત્ય રાક્ષસ તેને કહેવા લાગ્યો, “તમે મારા સમક્ષ જરા પણ સંકોચાશો નહિ. મારી તમને એટલી જ વિનતિ છે કે, તમારા મહાલયની સઘળી ખબર મને મળવી જોઇએ. પરંતુ ખબર પહોંચાડવાને તમારે પોતે અહીં આવવાની કાંઈ પણ અગત્ય નથી - આ હિરણ્યગુપ્ત તમારે ત્યાં આવતો રહેશે, એટલે કાંઈ નવા જૂની બને તેની એને ખબર આપશો, તો ચાલી શકશે. જ્યારે ખાસ તમારા આવવા જેવું જ હશે, ત્યારે હું, તમને કહેવડાવી મોકલીશ, અથવા તમે જ સંદેશો મેાકલજો કે, હું અમુક વેળાએ આવીશ – એટલે તમે આવો કે ત્વરિત અંતઃ પ્રવેશ કરી શકો, એવી વ્યવસ્થા હું આગળથી કરી રાખું. તમારે મારુ કાર્ય માત્ર એટલું જ કરવાનું છે કે, મુરાદેવીના અંતઃપુરમાં નિત્ય શું શું બને છે, તે મને જણાવવું. બીજું કાંઈ પણ નહિ, એમાં કાંઈ મહત્વનું હોય કિંવા ન હોય............”

“ભલે – હું કહીશ. એમાં મારી શી હાનિ છે? હું અમારા અંત:પુરની સર્વ કથા એને કહી સંભળાવીશ અને આપને મળવાની અગત્ય પડશે, ત્યારે પાછી અહીં આવીશ, હું તો જેવી મહારાજાની દાસી, તેવી આપની પણ દાસી, માટે જેવી આપની આજ્ઞા થાય, તેવી રીતે મારે વર્તવું જ જોઇએ.” વૃન્દમાલાએ વચમાં જ કહ્યું.

“પણ વૃન્દમાલા ! હું તને એ ખબર પૂછું છું અથવા તો મારો દૂત એ કાર્ય માટે તારે ત્યાં આવે છે, એની કોઇને જાણ થવી ન જોઇએ. સાંભળ્યું ?” અમાત્યે પોતાના રહસ્યને ગુપ્ત રાખવાની સૂચના કરી.