પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
અપરાધી કોણ?

જાણવાનો માર્ગ ખુલ્લો થયો. મુરાદેવીના સંનિધમાં રહેનારી દાસી જ એ કાર્યમાટે પૂર્ણપણે અનુકૂલા થઈ; ત્યારે હવે બીજું શું જોઇએ? ઉપરાંત ચન્દ્રગુપ્તના પિતાએ પણ આટલી બધી નમ્રતાથી પત્ર લખી વિનતિ કરેલી છે, ત્યારે એ નિમિત્તે તેનાપર નજર રાખવાથી પત્ર પ્રમાણે કર્યું પણ કહેવાશે અને બીજી યોજના પણ યોજાશે - એવા પ્રકારના વિચારો રાક્ષસના મનમાં ચાલુ હતા. એટલામાં તેનો પ્રતિહારી આવીને પુનઃ તેને પ્રાર્થના કરવા લાગ્યો કે, “સ્વામિન્ ! બહાર કોઈ રાજપુત્ર પધારેલા છે અને તેમના પ્રતિહારીના કહેવા પ્રમાણે તે કિરાતરાજા પ્રદ્યુમ્નદેવના કુમાર ચન્દ્રગુપ્ત છે અને તે ખાસ આપને મળવા માટે જ પધાર્યા છે. જેવી આજ્ઞા.” એ સમાચાર સાંભળતાં જ અમાત્ય ઊતાવળો ઊતાવળો ઊઠ્યો અને દ્વારપર સામે જઇને ચન્દ્રગુપ્તને સત્કાર સહિત અંદર લઈ આવ્યો. એક ઉચ્ચસ્થાને ચન્દ્રગુપ્તને બેસાડ્યા પછી તેણે બોલવાનો આરંભ કરતાં કહ્યું કે, “પાટલિપુત્રમાં આવ્યાને ઘણા દિવસ થયા છતાં આ દાસના ગૃહને તો આજે જ પવિત્ર કર્યું ચાલો. એ પણ લાભ જ થયો.”

“અમાત્યરાજ, મારાપિતા પ્રદ્યુમ્નદેવની ગઇ કાલે જ મને એક પત્રિકા મળી છે. એમાં તેમણે મને એવી આજ્ઞા કરેલી છે કે, તમને ખાસ મળીને હવે પછી મારે પાટલિપુત્રમાં તમારી અનુમતિથી જ વર્તવું. પિતાની આજ્ઞાને માન આપીને જ આજે હું અહીં આવેલો છું.” ચન્દ્રગુપ્તે પોતાના અચિન્ત્ય આગમનનું કારણ સ્પષ્ટતાથી વ્યક્ત કર્યું.

“કુમાર ! મારાપર પણ આપના પિતાશ્રી પ્રદ્યુમ્નદેવનું આજ્ઞાપત્ર આવેલું છે. આપ અહીં રહો ત્યાં સુધી મારાથી થવા જેવી હોય તેવી કાર્ય સેવા નિઃશંકતાથી મને બતાવવી - તેવી સેવા કરવાને હું તૈયાર છું. આપના પિતાના પત્રની વાટ જોઇને આટલા દિવસ આપ બોલ્યા ચાલ્યા વિના છાનામાના બેસી કેમ રહ્યા હશો, એ જ હું સમજી શકતો નથી. આપે અમથી પણ આજ્ઞા કરી હોત, તો તેને માન આપવું, એ મારું કર્તવ્ય હતું. આપને ત્યાં છે તો સર્વ કુશળને?” અમાત્ય પણ કિંચિત્ સંતુષ્ટ થઇને કહેવા લાગ્યો.

“હા - પત્રમાં તો સર્વ કુશળ હોવાનું લખેલું છે.” કુમાર ચન્દ્રગુપ્તે ટૂંકો જવાબ આપ્યો અને થોડી વાર પછી તે રાક્ષસની આજ્ઞા લઇને ચાલ્યો ગયો. રાક્ષસ પોતાના મનમાં વિશેષ સંતુષ્ટ થયો.

પરંતુ ચન્દ્રગુપ્તને જોતાં પુનઃ તેના મનમાં કાંઇક ચમત્કારિક પરિણામ થયું. મુરાદેવી અને એ કુમારની મુખમુદ્રામાં રહેલું સામ્ય તેના હૃદયમાં આવી ઉભું રહ્યું અને વારંવાર તે મનસ્વી જ પ્રશ્ન કરવા લાગ્યો કે, “આવું