પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
પ્રસ્તાવ.

અભિપ્રાય હતો. ભાગુરાયણ ગમે તેટલો વિરુદ્ધ થાય, તો પણ આજ સુધી જેને તે પોતાનો રાજા અને પોતાને સ્વામી માનતો આવ્યો હતો, તે ધનાનન્દને એકાએક પદભ્રષ્ટ કરીને ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરવામાટે તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવે તે તો સ્વાભાવિક જ હતું - એમાં તેનો દોષ માની શકાય નહિ.

એક દિવસે તો તેના મનમાં એક નવીન જ વિચાર આવ્યો અને તે વિચાર ચાણક્યને ગમશે જ, એવો તેને નિશ્ચય થવાથી ચાણક્ય પાસે આવીને તે તેને કહેવા લાગ્યો કે, “મુને ચાણક્ય ! મને આજે એક વિચાર સૂઝ્યો છે - જો આપને તે પસંદ આવશે તો આપનું ઇષ્ટ કાર્ય એક પળમાં જ થએલું સમજી લેવું અને મારો તો પૂરેપૂરો નિશ્ચય છે કે, આપ એ વિચારને સર્વથા માન્ય કરશો જ. કારણ કે, મારી ધારણા પ્રમાણે તે એ વિચારને અનુસરીને વર્તવાથી સર્વ કાર્ય સિદ્ધ થવાનો સંભવ છે.”

“સેનાધ્યક્ષ !” ચાણક્ય સ્મિત કરીને બોલ્યો. “તારા મનમાં આવનારા વિચારો કાંઈક વિચિત્ર જ હશે, એ હું ક્યાં નથી જાણતો? શો નવો વિચાર થયો છે, તે સત્વર કહી સંભળાવ - હું તે જાણવાને ઘણો જ ઉત્સુક થએલો છું.”

“નવો વિચાર એટલો જ કે, આપે જે ગુપ્ત ભેદ મને કહી સંભળાવ્યો છે, તે વાત મહારાજને કાને નાંખવી. મહારાજને આજ કાલ મુરાદેવીમાં ઘણો જ પ્રેમ છે, એ તો સર્વ કોઈ જાણે છે. તેથી ચન્દ્રગુપ્તની એ પૂર્વપીઠિકાને જાણતાં જ તેમને અતિશય આનંદ થશે અને સુમાલ્યને દૂર કરીને ચન્દ્રગુપ્તને નવીનતાથી યૌવરાજ્યાભિષેક કરશે. એમ થતું હોય, તો પરકીય લોકોને આપણા કાર્યમાં વચ્ચે નાખવાની અગત્ય ન પડે અને ભવિષ્યમાં તેમનાથી આપણને જે ભય દેખાય છે, તે પણ ટળી જાય” ભાગુરાયણે પોતાના અમૂલ્ય અને અપૂર્વ વિચારોનું દર્શન કરાવ્યું.

ભાગુરાયણ જેમ જેમ બોલતો ગયો, તેમ તેમ ચાણક્યના કપાળમાં ખાડા પડતા ગયા અને ભ્રકુટી સંકોચાવા લાગી અને નેત્રોને ઝીણાં કરી તે એક બીજી જ દિશામાં જોવા લાગ્યો. પરંતુ એ સર્વ એટલા તો અલ્પ અવકાશમાં બની ગયું કે પોતાના કહેવાના પ્રવાહમાં તણાતા અને પોતાના વિચારને અદ્વિતીય જાણીને ફૂલાઈ ગએલા ભાગુરાયણને તેની જરાપણ ખબર પડી નહિ. ચાણક્ય પણ તેનું ભાષણ પૂરું થાય, તે પહેલાં જ હસતું મોઢું કરીને