પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
પ્રસ્તાવ.

મંડી જશે ! બોલ – આજે આ બધી વ્યવસ્થા કરું કે? જો તારી અનુમતિ હોય અને તારામાં જો સત્ય પક્ષનું અભિમાન જાગૃત હોય, તો હું આજે કાર્યનો આરંભ કરું. નહિ તો હું નિઃસ્પૃહી બ્રાહ્મણ છું - મારા આશ્રમમાં શાંત થઇને બેસી રહીશ અને એકાંતમાં તે સર્વ વિઘ્નહારક કૈલાસનાથ શંકરનું ધ્યાન ધર્યા કરીશ ! મારે મને ભાવ માત્ર એટલો જ છે કે, પોતાની નીતિશાસ્ત્રજ્ઞતાના ઘમંડમાં મરી રહેલા અમાત્ય રાક્ષસને થાપ આપી, પોતાની સ્વામિનિષ્ઠા, સત્યનિષ્ઠા અને સત્યના પક્ષપાતનું લોકોને દર્શન કરાવવાનો આ પ્રસંગ તારે પોતાના હસ્તમાંથી વ્યર્થ જવા દેવો ન જોઇએ.”ચાણક્યે ભાગુરાયણનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો.

“આર્ય ચાણક્ય ! શું આપનો મનોભાવ છે અને મારો નથી? હું આપનો શિષ્ય છું, માટે આજથી આપ જેવી આજ્ઞા કરશો, તે પ્રમાણે કરવાને હું તૈયાર છું, એમ હું અનેકવાર આપને કહી ચૂક્યો છું અને વળી આજે પણ પાછો કહું છું. મારા મનમાં વારંવાર જે નાના પ્રકારના વિચાર આવ્યા કરે છે, તે આપને કહી દેવાથી મનમાં એક પ્રકારનું સમાધાન થાય છે. તેથી જ મેં મારો આજનો વિચાર પણ આપને કહી સંભળાવ્યો; પરંતુ આ૫ કહો છો, તે પ્રમાણે એ ધારણા પાર પાડવા જતાં અનેક અડચણો આવી પડવાની ભીતિ છે ખરી. હવે એ વિચારને આપણે છોડી જ દઇએ. હું હવે આપના વિચારથી રંચ માત્ર પણ વિરુદ્ધ થવાનો નથી.” ભાગુરાયણે કહ્યું.

ભાગુરાયણ એ બધું આતુરતાથી અને મન:પૂર્વક બોલ્યો હતો. એ ભાષણ સાંભળીને આર્ય ચાણક્યને ઘણો જ સંતોષ થયો અને તેણે નિશ્ચય કર્યો કે, ભાગુરાયણની એ અનુમતિનો અત્યારે જ લાભ લઇ લેવો જોઇએ. એકવાર જાળમાં જો એનો પગ ફસાયો, તો પાછો એ નીકળી શકનાર નથી. એવા નિશ્ચયથી તે જ દિવસે તેણે હિરણ્યગુપ્તને બોલાવીને ભાગુરાયણના દેખતાં જ જાણે રાક્ષસ પર્વતેશ્વરને લખતો હોય, તેવું પર્વતેશ્વરના નામનું એક પત્ર લખાવ્યું, અને તે પોતાના એક ઘણા જ વિશ્વાસુ મિત્રદ્વારા- સિદ્ધાર્થકદ્વારા-પર્વતેશ્વરને પહોંચાડવા માટે રવાનું કરી દીધું.

એ પત્ર મોકલ્યા પછી હવે શું પરિણામ આવે છે, પર્વતેશ્વર રાક્ષસને શું ઉત્તર મોકલે છે અને સરવાળે શો સાર નીકળે છે, એમાં જ ચાણક્ય અને ભાગુરાયણનું સર્વ લક્ષ લાગી રહ્યું. પત્રમાં એમ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “જો આ પત્રનું ઉત્તર મોકલવાની ઇચ્છા હોય તો તે આ પત્ર લાવનાર સાથે જ મોકલવું, પોતાના કોઈ દૂતદ્વારા મોકલવું નહિ. કારણ