પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કરનાર નથી.” એવી પ્રતિજ્ઞા કરીને તે પર્વત શિખરે જવામાટે તૈયાર થયો. પોતાના તીરકામઠાંને સાથે લઈને અને “મારી સાથે જે કાઈ પણ આવવાને તૈયાર હોય, તેણે ખુશીથી આવવું.” એમ બોલીને તે પર્વત પર ચઢવા લાગ્યો.

ઉપર એક સ્થળે કહેલું જ છે કે, રાત્રિ પુર્ણિમાની હતી. ગ્રીષ્મ ઋતુ હોવાથી નભોમંડળ પણ નિરભ્ર હતું અને આકાશનો સમસ્ત પ્રદેશ ચંદ્રમાંથી દ્રવનારા તેજોરસથી જાણે વ્યાપ્ત થએલો હોયની ! એવો ભાસ થતો હતો. દૂર દૂરનાં હિમાલયનાં અત્યુચ્ચ શિખરે પ્રથમથી જ હિમાચ્છાદિત થએલાં હતાં અને તેમાં આ પૂર્ણિમાની સોજજવલ કાંતિવાળા ચંદ્રનાં શ્વેત કિરણોનું મિશ્રણ થતાં એવો આભાસ થતો હતો, કે તે આકાશસ્થ કાંતિ આકાશગંગાના ઓઘમાંથી ધો ધો ધ્વનિયુત વહન કરતી આ ભૂલોકમાં સર્વત્ર પ્રસરતી હોયની! હિમાલયમાંનાં અરણ્યો હિંસ્ત્ર અને અન્ય પશુઓથી સર્વથા ઉભરાયલાં જ હોય છે, પરંતુ તે રાત્રે સર્વ સ્થળે વ્યાપી રહેલી ચંદ્રકાન્તિના પ્રભાવથી જાણે સર્વ પ્રાણીઓ મોહ પામી સ્તબ્ધ થઈ ગયાં હોયની! એવો સર્વત્ર પ્રસરેલી શાંતિના સમીક્ષણથી મનોનિશ્ચય થતો હતો.

સર્વત્ર એવી દિવ્ય શેભા દૃષ્ટિગોચર થતી હતી ખરી, પરંતુ એ વૃદ્ધ ગોપાળકનું એમાં કિંચિદ્‍માત્ર પણ ધ્યાન હતું નહિ - માત્ર એક બ્રહ્મમાં જ ચિત્તની બીનતા કરી બેઠેલા કોઈ એક સાધુ પ્રમાણે તે વૃદ્ધ ગોપાલકનું ચિત્ત તેના તે સુલક્ષણ ગોવત્સમાં જ લાગી રહ્યું હતું. તેનાં નેત્રો જો તે ગોવત્સ ક્યાંય દેખાય, તો તેને જોવા માટે જ અને તેના કર્ણો જો તે ગોવત્સનો આર્ત સ્વર ક્યાંયથી સંભળાય તો તે સાંભળવા માટે જ ઉત્સુક થઈ રહ્યાં હતાં. એની સાથે નીકળેલા બીજા મનુષ્યોમાં કેટલાક તરુણો પણ હતા, પરંતુ એ વૃદ્ધને વત્સશોધન માટે અત્યંત આતુરતા હોવાથી તેમના કરતાં એનાં પગલાં વધારે ઊતાવળે પડતાં હતાં. શિખરના સમીપમાં આવી પહોંચતાં જ તેણે ભિન્ન ભિન્ન મનુષ્યોને ભિન્ન ભિન્ન માર્ગે વિચરવાની અને તે વત્સનો શોધ કરવાની આજ્ઞા આપી અને પોતે તે જ એક માર્ગમાં એકલોજ આગળ ચાલ્યો. એ માર્ગમાં વિચરતાં તેને જે જે જાળીઓ અને નાની નાની ગુહાઓ દેખાઈ, ત્યાં ત્યાં તેમની પાસે જઈ જઈને તેણે ગોવત્સનો પુષ્કળ શોધ કર્યો, પરંતુ વ્યર્થ. ગોવત્સનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. અંતે નિરાશ થઈ તે ઢોરો હમેશ જે માર્ગેથી નીચે ઊતરતાં હતાં, તે માર્ગથી ભિન્ન એવો એક અતિશય વિકટ બીજો નીચે ઊતરવાનો માર્ગ હતો, તે માર્ગ કદાચિત્ તે ગોવત્સ ગયો હશે, એવી કલ્પનાથી, રાત્રે એ માર્ગમાં ગમન કરવામાં કાંઈ પણ કઠિનતા થશે, એનો લેશ માત્ર પણ