પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વત્સલાભ.

વિચાર ન કરતાં તેણે તે માર્ગમાં સંચાર કર્યો. જો કે આવા માર્ગમાં વિચરવાની તેને હમેશની ટેવ હતી, તો પણ એ માર્ગ એવો તો દુર્ગમ્ય હતો કે એ પંથે નીચે ઉતરતાં અનેક વાર તેને અડચણોનો અનુભવ થવા લાગ્યો. ધીમે ધીમે લગભગ માર્ગના ત્રણ ભાગ જેટલો પંથ તો તે કાપી આવ્યો. બાકી એકજ ભાગ રહેલો હતો - અહીંથી સામે પૂર્વદિશામાં મગધદેશ પ્રતિ જવાનો એક તેવાજ પ્રકારનો વિકટ ફાટો ફૂટતો હતો. તેથી ત્યાં ઊભો રહીને “અહીંથી નીચે ઉતરતા માર્ગે જવું કે મગધદેશમાં જતા આ માર્ગે થોડુંક આગળ વધવું?” એના વિચારમાં તે વૃદ્ધ ગોથાં ખાવા લાગ્યો. થોડીકવાર સુધી સમતોલ કાંટા પ્રમાણે એકવાર એક બાજુએ અને એક વાર બીજી બાજૂએ તેનું મન વળવા લાગ્યું. કોઈ પણ પ્રકારનો નિશ્ચિત વિચાર કરી શકાય નહિ, અંતે નીચેના માર્ગે ઉતરવાનો નિશ્ચય કરીને તે જેવો આગળ ચાલવા જતો હતો એવામાં કોઈ અર્ભકના રડવાનો ધ્વનિ તેને સંભળાયો હોય, એવા ભાસથી તે ઊભો રહી ગયો. પરંતુ “આટલી મોડી રાત્રે અહીં અરણ્યમાં કોઈ અર્ભક રડતું હોય, એ અસંભવિત છે. કોઈ ચમત્કારિક શ્વાપદ બરાડા પાડતું હશે.” એવી રીતે મનનું સમાધાન કરીને પાછો તે આગળ વધવા જતો હતો, એટલામાં વળી પણ તે અર્ભકનો કંઠશોષપૂર્વક રડવાનો અવાજ તેને કાને પડ્યો. હવે તેને વિશેષ શંકા રહી નહિ અને તેથી “આ શો ચમત્કાર છે? અવશ્ય એનો શોધ કરવોજ જોઈએ.” એવો નિશ્ચય કરીને તે મગધદેશના માર્ગમાં વિચર્યો; કારણ કે, તે રોદન ધ્વનિ તે પ્રદેશમાંથીજ આવતો હતો.

એ ધ્વનિની દિશાને અનુસરીને તે પાંચ સાતસો કદમ જેટલો દૂર ગયો, ત્યાં એક વિશાળ વટવૃક્ષની છાયામાંથી એ રોદનધ્વનિ આવે છે, એમ તેના ધ્યાનમાં આવ્યું અને તેથી ઊતાવળે તે ધારેલા વૃક્ષ તળે દોડી ગયો. ત્યાં પહોંચતાં જ એક શ્વેત વસ્ત્રમાં વીટાળેલું એક અર્ભક પોતાપરના વસ્ત્રને ખસેડવાનો પ્રયત્ન કરતું તેના જોવામાં આવ્યું તત્કાળ તેને ઉચકીને છાયામાંથી તે સ્વચ્છ ચંદ્રિકાના પ્રકાશમાં લઈ આવ્યો. તે અર્ભકના અદોષ મુખને સ્પષ્ટતાથી અવલોકી તેને છાતી સરસું ચાંપીને તે વૃદ્ધ મનસ્વી ઈશ્વરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “શિવશંભો ! કૈલાસનાથ ! આવા એક સુંદર અર્ભકને આવા ગહન અરણ્યમાં નાખી જનાર નરપશુ તે કોણ હશે. વારૂ? ગમે તે હોય. મારે તેની શી પંચાત ? અવશ્ય એના પાલકપર કોઈ અસહ્ય વિડંબના આવી પડી હશે, ત્યારે જ તે પોતાના પ્રાણાધિક બાળકને આવા વિકટ વનપ્રદેશમાં મૂકી ગયું હશે ! હે કૈલાસેશ્વર ! મારા ગોવત્સનો શોધ કરતાં તેં મને આ અર્ભક આપ્યું, તો તેથી તારી એવી જ