પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


રાજાના એ પ્રેમપ્રહારથી મનમાં આનંદ પામી, પરંતુ બહારથી કોપ બતાવી નેત્રકટાક્ષ ફેંકતી ભ્રૂને આકુંચિત કરીને મુરાદેવી કહેવા લાગી કે, “આપને પણ કહેવાનો એ જ ભાવાર્થ છે ને? ત્યારે બાઈ ! પારકા લોકો એમ કહે તેમાં તો શી નવાઈ? શું હું આપને રાજસભામાં જવાની ના પાડું છું કે ? તેમજ રાજકાર્યની વ્યવસ્થા આપે ન રાખવી, એમ પણ મેં ક્યારે કહ્યું છે? કહો તો ખરા ?”

“એકવાર નહિ પણ દશવાર કહેલું છે. જો એક જ વાર કહ્યું હોત તો તો અમુક સમયે અને અમુક દિવસે કહ્યું હતું, તે હું બતાવી શકત. પણ દશવાર કરતાં પણ વધારે વાર જ્યાં એવું ભાષણ થએલું, ત્યાં વેળા તો ક્યાંથી કહી શકાય વારુ? “રાજાએ પાછું મોઢું ઠેકાણે રાખીને ભડકાવ્યું.

મુરાદેવીએ એ સાંભળી અધિક ક્રોધનો આવિર્ભાવ કરીને કહ્યું કે “ખરું કહો છો ! આપના બહાર જવામાં મને ભયનો ભાસ થયા કરે છે, તેથી જ મેં એમ કહ્યું હતું, અને જ્યાં સૂધી મારી શ્વેતાંબરીનું મરણ શાથી થયું, એ પૂર્ણતાથી મારા જાણવામાં નહિ આવે, ત્યાં સૂધી એ ભયનો આભાસ રહેવાનો જ. અમાત્યરાજના મનમાં તો કાંઈ પણ હશે નહિ, પણ બીજાં કેટલાંક મનુષ્ય અવશ્ય આપના ઘાતની યોજનામાં છે જ, એવો મારા મનમાં પૂર્ણ સંશય છે. એવી સ્થિતિમાં આપને.......….……….”

પરંતુ મુરાદેવીનો કંઠ એટલો બધો રુંધાઈ ગયો અને નેત્રો અશ્રુથી ભરાઈ આવ્યાં કે, તેનાથી વધારે કાંઇ પણ બોલી શકાયું નહિ. સુમતિકા પેલી બાજૂ પાસે જ ઊભી હતી, તે મુરાની આવી દશા જોઇને કહેવા લાગી કે, “બાઈ સાહેબ ! આ શું ? ગઈ કાલે જ આપને ધાત્રેયિકાએ કહ્યું નહોતું કે, આપ અત્યારે જે સ્થિતિમાં છો, તે સ્થિતિમાં હવે કોઈ દિવસે રડવું નહિ, ગુસ્સે ન થવું અને હમેશાં આનંદમાં જ રહેવું ? અને આજ જ આ૫ પેલા આનંદના સમાચાર મહારાજને સંભળાવવાનાં હતાં ને ? એ સાંભળવાથી મહારાજને કેટલો બધો આનંદ થશે ?”

“સુમતિકે ! તને તે વળી વચમાં બોલવાનું કોણે કહ્યું? રહેતાં રહેતાં બાઈ ! તું પણ બટકબોલી થતી જાય છે ને શું !” મુરાએ છણકો કર્યો.

“બાઈ સાહેબ ! કોઇ આનંદનો પ્રકાર થયો અને તે મહારાજાને સંભળાવવાનું સ્મરણ કરાવી આપ્યું, એમાં બટકબોલાપણું શું થયું વારુ ? અને કદાચિત એ બટકબોલાપણું હોય, તોય સત્ય હોવાથી મહારાજા એને માટે કોપ કરવાને બદલે મને સારું ઇનામ જ આપશે; એવો મારો નિશ્ચય છે.” સુમતિકાએ ઉત્તર આપ્યું.