પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થવાનું નથી, તું વીરપ્રસૂ થઈશ અને તેથી આપણા આ દૃઢ થએલા પ્રેમમાં વધારે દૃઢતા થાય, તેટલા માટે આ અપત્યરૂપ ગ્રંથિ બંધાશે, એ સાંભળીને મને તો ઘણો જ હર્ષ થયો, પણ તને તો મેં શોકમાં જ જોઈ. આનંદઅશ્રુને સ્થાને શોકનાં અશ્રુ શામાટે વર્ષાવે છે? વળી હું વિનતિ કરી કરીને થાક્યો, છતાં કાંઈ ઉત્તર પણ આપતી નથી. એમ આજે કેમ થઈ ગયું ? તને આમ શોકમાં ઘેરાયલી જોવાથી મારું મન પણ ઉદ્વિગ્ન થઈ જાય છે. બોલ - માત્ર બે શબ્દો બોલીને પણ તારા શોકનું કારણ તો કહી બતાવ. કેમ સુમતિકે ! તારી સ્વામિનીના રુદનનું કારણ શું છે, તે તું કાંઇ જાણે છે કે ?”

“મહારાજ ! બીજું કારણ તો શું હોઈ શકે વારુ ? દેવીને એમ લાગે છે કે, જેવી રીતે......... ” પરંતુ મુરાદેવીએ સુમતિકાને વચમાં જ બોલતી અટકાવીને કહ્યું કે, “ચુપ રહે. સુમતિકે ! ગમે તેવું સારું માઠું બકીને પોતાની વાચાળતાને વ્યક્ત ન કર.”

એ આજ્ઞા સાંભળતાં જ સુમતિકા એકદમ બોલતી બંધ થઈ ગઈ. પરંતુ રાજા ધનાનન્દ મુરાદેવીને ઉદેશીને કહેવા લાગ્યો કે, “વાહ ! પોતે કહેવું નહિ, અને બીજું કોઈ કહેતું હોય, તે તેને કહેવા દેવું નહિ. એનું શું પ્રયોજન? એ સુમતિકા બિચારી મને બધું કહી સંભળાવતી હતી, તેને વચમાં જ તેં શામાટે અટકાવી, કોણ જાણે? સુમતિકે ! તું જે હોય તે સંકોચ વિના કહી સંભળાવ. તારે કાંઇ પણ શંકા કરવી નહિ, તને મારી આજ્ઞા છે.”

“અરે ભગવાન ! હવે તો મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. અહીં મહારાજની આજ્ઞા અને અહીં મહારાણીની આજ્ઞા. હવે કોની આજ્ઞાનું પાલન કરું અને કોની આજ્ઞાનું ઉલ્લંઘન કરું? તથાપિ મહારાજ ! હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને સર્વથા અસમર્થ છું. મહારાણીનું ધારવું એમ છે કે, પોતે વીરપ્રસૂ થશે તો ખરાં, પણ તેથી લાભ શો ? અંતે તે અવતરેલા બાળકને અરણ્યમાં મારાઓની તલવારની ઘાત જ થવાનો ને ?” સુમતિકાએ સંશયને તોડી નાંખ્યો.

સુમતિકાનો હજી પણ વધારે બોલવાનો વિચાર હતો, છતાં પણ તેને પોતાની ઇચ્છા વિરુદ્ધ વચમાં જ અટકી જવું પડ્યું; કારણ કે, એ વેળાએ રાણી મુરાદેવીનો શોક ઘણો જ વધી જવાથી તેણે મોટે મોટેથી રડવા માંડ્યું હતું અને એ રોદનને સાંભળી રાજાનું ચિત્ત પણ સર્વથા શોકથી ભરાઈ ગયું હતું – તેણે એકાએક પોતાની છાતી સાથે ચાંપીને