પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“મને કારાગૃહમાં નાંખશે ? તું આજે ગાંડી તો નથી થઈને?” ધનાનન્દ હસીને બોલ્યો.

“કદાચિત્ એમ પણ બને ! એમાં આશ્ચર્ય જેવું શું છે ? આપના પ્રાણનાશનો પ્રયત્ન પણ જ્યારે થઈ ચૂક્યો છે, તો આપ એકવાર અહીંથી છૂટીને તેમના તાબામાં ગયા, એટલે આપને અહીં પાછા ફરતા અટકાવવા, એ સર્વથા અશક્ય છે અથવા તો તે એમ કરવામાં તે આગળ પાછળનો જરાપણ વિચાર કરશે, એવી મારી ધારણા તો નથી જ. આપને હું કાંઈ ન જવાનો આગ્રહ કરતી નથી - પણ જો જશો અને કાંઈ પણ વિપરીત થશે તો ! એની જ ક્ષણે ક્ષણે ભીતિ થયા કરે છે. પ્રથમ મારા પુત્રનો ઘાત કરાવીને મને કારાગૃહવાસિની બનાવી હતી, તેવો જ પ્રસંગ જો હવે પાછો આવવાનો હોય, તો મને પણ મારી નાંખવી, એટલી જ મારી આપનાં ચરણોમાં વિનતિ છે.” એમ કહી રાજાનાં ચરણોમાં પડી મુરાદેવી મહાન આક્રંદ કરવા લાગી. રાજા ગભરાઈ ગયો અને બોલ્યો, “પણ મારે જવું જ નથી તેનું કેમ ?”

“ના-ના,” મુરાદેવી એકાએક મસ્તક ઊંચું કરીને કહેવા લાગી. “એમ કરવાથી કાંઈ પણ લાભ થવાનો નથી. અમાત્યને જેવી રીતે વચન આપેલું છે, તેવી રીતે જો આપ વર્તન નહિ કરો, તો એને દોષ તેઓ મારે માથે જ ચઢાવવાના. તેના દેખતાં જ મેં આપને સભામાં જવાની ભલામણ કરી અને હવે આપ નહિ જાઓ, એટલે તેઓ એમ જ કહેવાના કે, મુરાદેવી અસત્યભાષિણી છે - એણે જ રાજાનું મન ફેરવી નાંખ્યું હશે, આમ મારો દોષ દેખાય એ સારું નહિ. આવતી કાલે તો અવશ્ય આપે એકવાર સભાગૃહમાં પધારવું જ જોઈએ. મારા વિશેના આપના હૃદયમાંના પ્રેમને જાગૃત રાખવાનું વચન આપો, એટલે પછી મારું બીજું કાંઈ પણ કહેવું નથી. મને મારા પોતાના વિશે જરા પણ દરકાર નથી. મને મારા જીવની....”

મુરાદેવી, એ બધું ભાષણ એટલા બધા શોકના અવિર્ભાવથી બોલી કે, તેથી રાજાના મનમાં તેના માટે પ્રેમનો ઘણો જ સારો ઉમળકો આવવાથી તેણે તેને દૃઢ આલિંગન આપ્યું. ત્યાર પછી તે દૃઢતાથી કહેવા લાગ્યો કે, “તારે લેશ માત્ર પણ ચિંંતા કરવી નહિ. તારી આજ્ઞા છે, તેથી જ આવતી કાલે હું સભામાં જઈશ, અને ઘડી બે ઘડી બેસીને તત્કાળ અહીં પાછો આવી પહોંચીશ.”