પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
ચિત્તની ચંચળતા.

રાખી સારાસારનો વિચાર ન કરતાં એણે મને કારાગૃહમાં નાંખી ! ત્યારે મારે એના કંઠપર શસ્ત્રનો પ્રહાર શામાટે કરવો જોઇએ વારુ ? આ વિચાર મારે પ્રથમથી જ કરવાનો હતો, તે ન કર્યો; એમાં મારી મોટી ભૂલ થઈ છે. જો એવો વિચાર મેં આગળથી જ કર્યો હોત, તો આવતી કાલે જે આપત્તિ રાજાના શિરપર આવવાની છે, તે આવવા પામત નહિ, અને એને ટાળવાની જે વિડંબના આજે મને થઈ પડી છે, તે પણ થાત નહિ.” એવા વિચારો તેના મનમાં આવતાં તેનું મન એકાએક ફરવા લાગ્યું, “શું? મારા જ હાથે અને મારી જ અનુમતિથી મારા પોતાના પતિનો નાશ થશે ? શું મારા પોતાના જ પ્રયત્નથી મારા સૌભાગ્યનો સર્વથા સંહાર થશે ? એ અત્યંત ક્રૂરતા અને અધમતાનો વિચાર મારા હૃદયમાં આવ્યો જ કેવી રીતે? મને હવે એનું આશ્ચર્ય થાય છે. પોતાના જ શરીરપર આવો ભયંકર પ્રસંગ લાવવાથી અંતે લાભ શેા થવાનો છે? એ જ કે ભત્રીજાને રાજ્ય મળશે ! ભત્રીજાને રાજ્ય મળ્યું તોય શું અને ન મળ્યું તોય શું ! એને રાજ્ય મળવાથી મને શો લાભ ? પ્રત્યક્ષ પતિના પ્રાણની હાનિ કરીને ત્રિભુવન પતિઘાતિનીના અપકીર્ત્તિયુક્ત નામથી ઓળખાવાથી વિશેષ બીજા કોઈ પણ લાભની મને પ્રાપ્તિ થવાની નથી જ. ત્યારે હવે આ અશુભ પ્રયત્નથી થનારા અશુભ પ્રસંગને ટાળવા માટે ઉપાય શો કરવો ?” એ પ્રમાણે વિચારો પર વિચારો અને કલ્પનાઓ પર કલ્પનાઓ તેના મનમાં ઉદ્ભવતાં તે કોમલાંગી ઘણી જ ગભરાઈ ગઈ - આવતી કાલે બનનારા અનિષ્ટ પ્રસંગને ટાળવાનો તો તેનો દૃઢતમ નિશ્ચય થઈ ગયો હતો. “વૈધવ્ય આવ્યું તો ચિન્તા નથી, પણ મને છળીને મારા પુત્રનો ઘાત કર્યો છે, તે વૈરનો બદલો તે હું લેવાની જ.” એ પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનો તેનો જે આજ સૂધીનો મનોભાવ હતો, તે એકાએક મનમમાંથી નીકળી જતાં તેને સ્થાને તેને એવી ભાવના થવા માંડી કે, “મારા જ ઉત્પન્ન કરેલા સંકટમાંથી હવે હું કેવી રીતે મુક્ત થાઉં ! મહારાજાના પ્રાણ કેવી રીતે બચાવું? મારા જ હાથે થનારા આ રાજહત્યા અને પતિહત્યાના પ્રસંગને કયા ઉપાયથી ટાળું ?” એવા અનેકવિધ પ્રશ્નો તેના મનમાં આવીને ઊભા રહ્યા અને તેના મનમાં ઘણી જ ચિન્તા થવા લાગી. સ્ત્રીઓને સર્વથા અનુચિત એવા વિચારો પોતાના મનમાં આવ્યા જ કેમ ? એનું જ રહી રહીને તેને આશ્ચર્ય થવા લાગ્યું. જ્યાં સૂધી અમુક દુષ્કૃત્ય આપણાથી દૂર હોય છે, ત્યાં સુધી તે કરવાની જેટલી ઉત્સુકતા રહે છે, તેટલી ઉત્સુકતા તે દુષ્કૃત્ય પાસે આવીને ઉભું રહે છે, એટલે રહેવા નથી પામતી. મુરાદેવીના મનની પણ અંશેઅંશ એવી જ સ્થિતિ થએલી હતી. જ્યાં સુધી પોતાના પતિનો વધ કરવાની અથવા કરાવવાની તેની ભાવના હતી, ત્યાં સુધી તેમાં