અને તેના અપરાધની ક્ષમા આપશે, એ તેને સંભવનીય જણાયું નહિ. તેથી તેણે ઉત્તર આપ્યું કે, “શું કરું ? આજે ચિત્તમાં અસ્વસ્થતા હોવાથી કેમે કરતી ઊંધ મુઈ આવતી જ નથી. કોણ જાણે મનમાં શુંય થયા કરે છે!”
“કેમ? વળી શું થયું ? હું આવતી કાલે ક્ષણ બે ક્ષણને માટે રાજસભામાં જવાનો છું, તેથી જ તારા મનમાં અસ્વસ્થતા થએલી હોય એમ જણાય છે.” રાજાએ સર્વથા ભોળાઈના ભાવથી કહ્યું.
“હા - કેટલેક અંશે એથી જ અસ્વસ્થતા થએલી છે, એમ પણ કહી શકાય ખરું. આપ કાલે સભામાં પધારવાના છો, તેથી મારું મન ફરી ગયું છે. ગમે તેટલા યત્નો કરવા છતાં પણ નિદ્રા આવતી નથી. ત્યારે અવશ્ય આપને જવું જ પડશે કે?” મુરાદેવીએ દ્વિઅર્થી ભાષણ કર્યું.
“જવું જ જોઈએ, એવું કશું પણ નથી. પણ આપણે જ્યારે કબૂલાત આપી ચૂક્યાં છીએ, ત્યારે જઈએ તો જરા ઠીક લાગે.” રાજાએ ઉત્તર આપ્યું.
“મારો જીવ બહુ જ મૂંઝાય છે. મનમાં એવું જ થયા કરે છે કે, આજે કાંઈ પણ અનિષ્ટ થવાનું છે !” મુરાએ પોતાના મનોભાવને કિંચિદ્ અંશે વ્યક્ત કર્યો.
“તારા મનની સ્થિતિ માટે તો હવે મને આશ્ચર્ય જ થાય છે ! તારું મન મહા પવિત્ર છે. તારા મનમાં સ્વાભાવિક ચિન્તા ઉદ્દભવી છે અને મેં એવું જ એક સ્વપ્ન આજે જોયું છે. કેવી સમાનતા ?” રાજાએ પેાતાનો મનોભાવ જણાવ્યો.
“તે સ્વપ્ન શું હતું વારુ? આપ નિદ્રામાં કાંઈક બબડતા તો હતા જો કે હું એ બેાલવાનો ભાવાર્થ બરાબર સમજી શકી નહોતી, પણ આપ કાંઈક બોલતા હતા, એટલું મારા ધ્યાનમાં છે ખરુ.” મુરાદેવીએ પુષ્ટિ આપી.
“એ મારો બડબડાટ સ્વપ્નમાં જે વિચિત્ર આદર્શ મારા જોવામાં આવ્યો હતો, તે વિશેનો જ હશે, બીજું શું હોય ? પણ સ્વપ્ન ઘણું જ વિચિત્ર હો !” રાજાએ કિંચિત્ હસીને પરંતુ ગંભીર ભાવથી એ વાક્યો ઉચ્ચાર્યા.
“એટલું બધું વિચિત્ર અને વિલક્ષણ તે શું સ્વપ્ન હતું? મને તે કહેવા જેનું નથી કે શું?” મુરાદેવીએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું.
“તને એ કહેવું કે ન કહેવું, એનો જ હું ક્યારનો વિચાર કર્યા કરું છું. ઘડીકમાં કહેવું એવો વિચાર થાય છે અને ઘડીકમાં ન કહેવું એ