પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“પછી જે થયું તે કહેવાને જીભ ઉપડતી નથી. એ સાંભળતાં તું કોણ જાણે શું કહીશ, એવા ભયથી હું તો બેાલતાં અચકાઉં છું.” રાજાએ કહ્યું.

“એવું તે શું છે, મહારાજ ? કહી દોને સત્વર, હું તો કાંઈ બોલતી પણ નથી ને ચાલતી પણ નથી.” મુરાદેવીએ પુનઃ આગ્રહપૂર્વક ઇચ્છા દર્શાવી.

“તે વ્યાધ્રે મારા અંગપર આક્રમણ કર્યું, એટલે મેં તારી પાસેથી મારું ખડ્‍ગ માગ્યું, પણ તેં તે આપ્યું નહિ અને સામી તું દૂર દૂર ન્હાસવા લાગી.”

“આ તો ધારવા કરતાં વિપરીત જ ! હું આપના પ્રાણ બચાવવાને દોડું કે દૂર ન્હાસું ? બાઈ ! આ તે કેવું સ્વપ્ન ? આપના હૃદયની જેવી ભાવના છે, તેને અનુસરતું તો આ સ્વપ્ન નથી આવ્યું ને?” મુરાદેવીએ પૂછ્યું.

“અરે ગાંડી ! આ તે તું શું બેાલે છે ? હજી તો આ કાંઈ પણ નથી; જો આગળ સાંભળીશ, તો તું શું કહીશ ?” રાજાએ પાછી શંકા કાઢી.

“કહું શું? હવે વાર ન કરો - મારી ઉત્કંઠાને ન વધારો. તે શીધ્ર કહી નાંખો. ત્યાર પછી શું થયું ?” મુરાદેવીએ પાછો આગ્રહ કર્યો.

“તું ન્હાસવા લાગી, એટલે હું તને વિનવવા લાગ્યો અને કહ્યું કે, જો તું આ વેળાએ ખડ્‍ગ નહિ આપે, તો આ વ્યાધ્ર અત્યારે મને મારી નાંખશે. પણ તેં એ મારી વિનતિ લક્ષમાં ન લેતાં ઉલટું એમ કહ્યું કે, ભલે ને મારી નાંખે ! તમને એ વ્યાધ્ર ખાશે, એટલે મારા પુત્રને વ્યાધ્રે જેવી રીતે ખાધો હશે, એની તમને સારી કલ્પના થશે ! મારી ખાસ એવી જ ઇચ્છા છે કે, એ વ્યાઘ્ર તમને ભક્ષી જાય તો બહુ જ સારું થાય ! તારું આ ભાષણ સાંભળીને હું ઘણો જ આશ્ચર્યચકિત થઈ ગયો.”

રાજાના એ સ્વપ્નનો વૃત્તાંત સાંભળીને મુરાદેવી માત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ, એટલું જ નહિ, પણ તેની મુખમુદ્રા એકાએક કાળી ઠીકરા જેવી બની ગઈ – તેના તેજનો સર્વથા લોપ થઈ ગયો.

—₪₪₪₪—


પ્રકરણ ૨૪ મું.
નિશ્ચય ચળી ગયો.

રાજા ધનાનન્દના સ્વપ્નનો સાર જાણતાં જ મુરાદેવીના શરીરમાં એકાએક કંપનો આવિર્ભાવ થતાં તેનું સમસ્ત શરીર તત્કાળ સ્વેદથી ભીંજાઈ ગયું, “રાજાને મારાં બધાં કાવત્રાંની જાણ થઈ ગઈ છે, અને તેથી તે મારી પરીક્ષા કરવા માટે તો સ્વપ્નનું નિમિત્ત નથી કાઢતો ને ?”