પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“વ્હાલી ! આમ હવે વિનાકારણ ક્યાં સૂધી રડ્યા કરીશ? તને હું ફરી ફરીને કહું છું કે, માત્ર તારા ગાઢ પ્રેમ વિના બીજા કોઈ પણ વિષયમાટે હવે મારા આ અંતઃકરણમાં સ્થાન જ નથી. માટે તારે કોઈ પણ કારણથી શોક કરવો જ નહિ, મારાં આ વચનોની સત્યતા તને કેવી રીતે ભાસે, તેનો કોઈ ઉપાય બતાવતી હોય, તો તે કરવાને પણ હું તૈયાર છું.” રાજાએ કહ્યું.

એના પ્રત્યુતરમાં મુરાએ તત્કાળ કહ્યું કે, “હવે મને એ વિશે રંચ માત્ર પણ શંકા નથી, પણ આર્યપુત્રા આવતી કાલે આપ મારા મંદિરમાંથી રાજસભામાં જવાના તો ખરા જ ને?”

“અમાત્ય રાક્ષસના દેખતાં તેં જ મને સભામાં જવાની ભલામણ કરી – તારી અનુમતિવિના હું તેને હા કહેવાનો જ નહોતો. પરંતુ તેં જ જ્યારે અનુમોદન આપ્યું ત્યારે હું નિરુપાય થઈ ગયો. એમાં મારો શો દોષ ?” રાજાએ પોતાની નિર્દોષતા વ્યક્ત કરી.

“હા - મેં અનુમોદન આપ્યું તે ખરું, પણ હવે આપ જો ન જાઓ તો શું ચાલે તેમ નથી?” મુરાએ કોઈ બીજા જ હેતુથી પ્રશ્ન કર્યો.

“ચાલે શામાટે નહિ ? પણ ન જવાનું કારણ ?” રાજાએ પૂછ્યું.

“કારણ?” મુરા વધારે બોલતાં અચકાઈ. તેના મનમાં જે બોલવાની ઇચ્છા હતી, તે બોલવું કે ન બોલવું, એનો તેને વિચાર થઈ પડ્યો. અંતે તેને ન બોલવાને જ નિશ્ચય થયો ને તે કહેવા લાગી, “કારણ એટલું જ કે, કાલે તો આપે ન જ જવું, એમ મારા મનમાં થયા કરે છે. તે વેળાએ તો મેં અનુમોદન આપ્યું, પણ હવે મને એમ લાગે છે કે........."

“સમજ્યો ! સમજ્યો!” રાજા ધનાનન્દ હસતો હસતો તેને કહેવા લાગ્યો.” તને એમ લાગે છે કે, હું જો અહીંથી જઇશ, તો પાછો આવીશ કે નહિ, કોણ જાણે ! ખરેખર તમારાં સ્ત્રીઓનાં મનો ઘણાં જ સંશયી હોય છે ! શું તારું એમ ધારવું છે કે, હું આટલા દિવસ અહીં રહ્યો, તેથી મારો તારામાં પ્રેમ બંધાયો છે, અને હવે હું બહાર જઇશ ને મને કોઈ કાંઈ તારા વિરુદ્ધ કહેશે અથવા તો તારા કરતાં કોઈ અધિક સ્વરૂપવતી સ્ત્રી મારા જોવામાં આવશે, એટલે તારાપ્રતિ મારો અભાવ થઈ જશે ? એમ જો તારું ધારવું હોય, તો તે સર્વથા નિર્મૂલ છે.” રાજા બોલ્યો.

“માત્ર એ-મ-જ-ન-થી.” મુરાદેવીએ અચકાતાં અચકાતાં ઉત્તર આપ્યું. અત્યારસુધી મનમાં દુષ્ટ હેતુ રાખીને પોતે જે ઉદ્યોગ કર્યો હતો