પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ધારણ કરવાના કાર્યમાં રોકાયો. એ સર્વ કાર્ય થઈ રહ્યું, તે વેળાએ એક પ્રહર દિવસ ચઢી ગયો હતો. મુરાદેવી સર્વથા હતાશ-નિરાશ થઈ ગઈ, તેથી પોતાના દ્વિતીય નિશ્ચયને પાર પાડવાનો - કારસ્થાનનો બધો ભેદ મહારાજને જણાવી દેવાનો વિચાર કરીને ધનાનન્દના ચરણોમાં દંડ પ્રમાણે પડી ગઈ અને કહેવા લાગી કે, “મહારાજ ! આપ મારું કાંઈ પણ સાંભળતા નથી, ત્યારે હવે એકવાર મને મારા પા...……........….”

પરંતુ તેનો એ નિશ્ચય સિદ્ધ થાય, એમ નિર્માયલું જ નહોતું. એટલે કે તે એ પ્રમાણે વાક્યો ઉચ્ચારતી હતી, એટલામાં તો “મહારાજનો જયજયકાર હો !” એવા એકાએક દશ મનુષ્યોએ ઉચ્ચારેલો ધ્વનિ તેના સાંભળવામાં આવ્યો. એકદમ આવી રીતે દશ મનુષ્યોનો ધ્વનિ ક્યાંથી આવ્યો, એમ ધારીને તે જેવી ઊંચું મુખ કરીને જોવા લાગી, કે ત્વરિત જ એકથી એક નાના એવા નવ કુમારો અને અમાત્ય રાક્ષસ એવી રીતે દશ માનવીઓ રાજાનો જયજયકાર કરતા ઉભા રહેલા તેના જોવામાં આવ્યા. એ નવ કુમારોમાં સુમાલ્ય તથા પોતાના પુત્ર ચંદ્રગુપ્તને પણ તેણે ઉભેલા જોયા. ચન્દ્રગુપ્તને પોતાના પુત્ર તરીકે જાણવા પછીની તેની સાથેની આ પહેલી જ મુલાકાત હતી અર્થાત્ તેને જોતાં જ તેના મનમાં પાછો મોહ ઉત્પન્ન થયો. તેનું તેજસ્વી સ્વરૂપ જોતાં જમુરાદેવીનું ચિત્ત તત્કાલ તેના પ્રતિ આકર્ષાયું. તેના અને પોતાના સ્વરૂપમાંના સામ્યનું મનમાં પ્રતિબિંબ પડતાં જ “એ ખરેખર મારો જ પુત્ર છે.” એવો તેનો નિશ્ચય થઈ ગયો. અને તેથી “એને મરી ગએલો જાણવા છતાં પણ આટલા દિવસ એના માટે પ્રેમ થતો હતો; ત્યારે એને જીવતો જોયા પછી એને રાજ્ય મળવાના કાર્યમાં હું આડી આવું છું, એ મારી કેટલી બધી મૂર્ખતા!” એવો પણ તેને વિચાર થયો. સુમાલ્યને જોતાં જ તેના વિશેનો દ્વેષ તેના હૃદયમાં નવીનતાથી જાગૃત થયો. “જેવી રીતે આનું પાલન પોષણ કર્યું; તેવી જ રીતે જો મારા પુત્રનું પણ પાલન પોષણ કરવામાં આવ્યું હોત અને આ અમાત્ય રાક્ષસની ભંભેરણીને અસત્ય માની એને મારી નાંખવા માટે આ ધનાનન્દ રાજા ઉદ્યુક્ત થયો ન હોત, તો આજે આવો અશુભ પ્રસંગ આવ્યો જ ન હોત !! પરંતુ હવે જયારે એ પ્રસંગ આવ્યો જ છે - અરે પરમેશ્વરે જ એ પ્રસંગ આણ્યો છે; તો તેથી આ મૂર્ખ રાજાનો નાશ થાય અને મારા પુત્ર ચન્દ્રગુપ્તને રાજ્ય મળે, એવી જ પરમેશ્વરની ધારણા હોય, એમ દેખાય છે. એટલે મારે હવે એ કાર્યમાં વચ્ચે આવવું ન જોઈએ.” એવી રીતે તેનો નિશ્ચય ડગી ગયો. સુમાલ્ય અને અમાત્ય રાક્ષસ જો એક ક્ષણ માત્ર મોડા આવ્યા હોત, તો મુરાદેવીએ પોતાનાં બધાં પાપો રાજાને જણાવી