પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
પતિ કે પુત્ર ?

દીધાં હોત; પરંતુ તેમને જોતાં જ તે બન્ને વિશેનો દ્વેષ તેના મનમાં પાછો જાગૃત થયો અને ચક્ર એકાએક ફરી ગયું. પોતે મહારાજનાં ચરણમાં પડેલી હતી અને એ સર્વ આવી પહોંચ્યા, એ માટે પણ હવે તેને સંતાપ થવા માંડ્યો. તે એકદમ ઊઠીને દૂર જઈ ઊભી રહી અને રાજાને ઉદ્દેશીને કહેવા લાગી કે, “આર્યપુત્ર ! આ મંડળ આપને બોલાવવા માટે આવેલું છે, માટે હવે હું જાઉં છું. આપ સુખેથી જાઓ, રાજકાર્ય કરો અને પાછા આવો.” એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ, જતાં જતાં તેણે એકવાર પોતાના પુત્રના મુખનું પ્રેમદૃષ્ટિથી અવલોકન કર્યું.

રાજાના ગમનની સઘળી તૈયારી થઈ ચૂકી. સવારી નીકળવાનો સર્વ સમારંભ નીચે મુરાદેવીના મંદિર સામે જ કરવામાં આવ્યો હતો. રાજાનો બેસવાનો હાથી અંબાડી સુદ્ધાં તૈયાર હતો. રાજા નીચે જઈ તે હાથીપરની અંબાડીમાં બેઠો. તેના આગળના ભાગમાં ઢોલ, તાસાં આદિ અનેક રણવાદ્યો અને ભેરી શૃંગ આદિ સમારંભવાદ્યો એકદમ વાગવા લાગ્યાં. ધ્વજાઓ હવામાં ફર ફર ધ્વનિ કરતી ઉડતી હતી. રાજાના હાથીની જમણી બાજુએ તેનો યુવરાજ એક હાથીપર બેઠેલો હતો અને ડાબી બાજૂએ અમાત્યરાજ હસ્તીના પૃષ્ટભાગે આરુઢ થઈને ચાલતો જોવામાં આવતો હતો. રાજાના બીજા સાત પુત્રો અશ્વારુઢ થઈને ચાલતા હતા, માત્ર ચન્દ્રગુપ્ત એકલો જ વાદ્ય વગાડનારાઓની પાછળ અને રાજાના હાથીની આગળ ચાલ્યો જતો હતો. એવા ઠાઠમાઠથી સ્વારી ચાલતી હતી. અમાત્ય રાક્ષસના મનમાં ઘણો જ આનંદ થતો હોય, એમ તેની પ્રફુલ્લ મુખમુદ્રાથી અનુમાન કરી શકાતું હતું. નાગરિકોની ભીડ ન થાય, તેટલા માટે સૈન્યમાંના કેટલાક લોકો રાજા અને રાજપુત્રના હાથીઓની આગળ પાછળ રહી તેમને બીજા લોકોથી કેટલાક અંતરપર રાખતા હતા.

મુરાદેવીનું મંદિર રાજમહાલયથી દૂર હતું. તેને કારાગૃહમાં નાંખવામાં આવી, ત્યારથી તે એ જ મંદિરમાં રહેતી હતી અને બંધનમુક્ત થયા પછી પણ આગ્રહ કરીને તેણે એ જ મંદિરમાં રહેવાનું પસંદ કર્યું હતું. ઉપર લખ્યા પ્રમાણે મોટા ઠાઠમાઠથી એ સમારંભ રાજગૃહ પ્રતિ ચાલ્યો જતો હતો. માર્ગમાં સ્થળે સ્થળે પ્રજાજનોએ તોરણો-મંડપો-ઉભાં કર્યા હતાં અને તે તોરણો તળેથી રાજાની સવારી ચાલી જતી હતી. માર્ગમાં બન્ને બાજૂએ આવેલાં ગૃહોની બારીઓમાંથી રાજા અને રાજપુત્ર પર એક સરખી પુષ્પવૃષ્ટિ થતી હતી. જાણે કે ઘણાં વર્ષો પછી એ રાજાની સવારી નવેસરથી જ પાટલિપુત્રમાં નીકળી હોય અને તેથી જ લોકો આવો ઉત્સવ કરતા હોયની એવો સર્વત્ર આદર્શ થઈ રહ્યો હતો.