પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એવા સમારંભની સવારી ચાલી જતી હતી, એટલામાં સામેથી એક ઘોડેસ્વાર ઘણા જ વેગથી પોતાના ઘોડાને દોડાવતો ત્યાં આવી લાગ્યો. એ કોણ છે અને આટલા બધા વેગથી શામાટે આવ્યો છે, એની હજી લોકો ચોકસી કરતા હતા, એટલામાં તે ઘોડેસ્વાર રાક્ષસનાં હાથી પાસે જઈને પોતાના હાથમાંના ભાલાની અણીપર એક પત્રિકા ટોંચીને તે અમાત્યને આપી. એમાં શું હશે, તે જાણવા માટે રાક્ષસે તે પત્રિકા લીધી અને વાંચી જોઈ વાંચતાં જ તેનું મોઢું એકદમ ઊતરી ગયું. એટલું સારું થયું કે, રાજાનું ધ્યાન એ વેળાએ તેની તરફ હતું નહિ. તેણે પોતાના હાથીને રાજાના હાથીની જોડમાં લઈને ધીમેથી રાજાને કહ્યું કે, “મહારાજ ! આટલી વાર હું આપ સાથે ચાલ્યો, માટે હવે જૂદા જ માર્ગથી મને આગળ રાજસભામાં જવાની આજ્ઞા મળવી જોઈએ; એટલે ત્યાં જઈને આદર માટેની જે તૈયારી કરવી હોય, તે મારાથી કરી શકાય.”

એટલું કહી રાજાની અનુમતિ મળી કે નહિ, તેની વાટ ન જોતાં તેણે પોતાના હાથીને બીજા માર્ગમાં વાળ્યો. રાજાએ પણ તે તરફ વિશેષ લક્ષ આપ્યું નહિ - કિંવા તેનું લક્ષ તે તરફ દોરાયું જ નહિ, એમ કહીએ તોપણ ચાલે. તેનું સર્વસ્વ ધ્યાન પોતાપર પુષ્પવૃષ્ટિ કરનારી યુવતીઓમાં જ પરોવાયલું હતું. ધીમેધીમે આખી સવારી ચાણક્યે રાજગૃહના દ્વાર પાસે જે વિવક્ષિત સ્થાન તળે પોચી જમીન કરી રાખી હતી, ત્યાં આવી પહોંચી. ચન્દ્રગુપ્ત થોડીક વાર આણી બાજુ ઊભો રહ્યો. જે સ્થાનેથી જવામાં કાંઈ ભય જેવું નહોતું ત્યાંથી નીકળી જવાને તેણે પૂર્વ સંકેત પ્રમાણે પોતાના અશ્વને જરાક વાંકો વાળ્યો.

રાજાની સવારી પોતાના મંદિરમાંથી નીકળી જવા પછી પાછો મુરાદેવીની ચિત્તવૃત્તિમાં ફેરફાર થઈ ગયો, પુન: “ પતિ કે પુત્ર?” એ પ્રશ્ન તેના હૃદયને દુ:ખ દેવા લાગ્યો. “મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થાય તેટલા માટે હું પતિની હત્યા થવા દઉં છું, એ મારી અત્યંત નીચતા છે. પોતાના સૌભાગ્યને પોતાના હસ્તે જ નષ્ટ કરીને પુત્રના મસ્તકે રાજમુકુટ જોવાની હું ઇચ્છા રાખું છું, તે યોગ્ય નથી. આ અત્યંત નિંદ્ય કાર્ય છે. આર્યાવર્તમાં અતઃ પૂર્વ મારા જેવી દુષ્ઠા બીજી કોઈ પણ સ્ત્રી જન્મી નહિ હોય અને હવે પછી જન્મશે પણ નહિ ! હજી-હજી પણ હું શિબિકા (પાલખી) માં બેસી એ સવારીમાં પહોંચીને રાજાને જાગૃત કરી શકું તેમ છે. હજી પણ રાજાના પ્રાણનું રક્ષણ કરી શકીશ. આ વાત સુમતિકાને કહીશ, તો તે કદાચિત્ માનશે નહિ, માટે વૃન્દમાલાને જ બોલાવું.” એવો વિચાર કરીને તેણે વૃન્દમાલાને બોલાવી અને તેને પોતામાટે એક શિબિકા તૈયાર કરાવવાની