પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એકાએક "અમાત્ય રાક્ષસનો જયકાર ! અમાત્ય રાક્ષસનો જયકાર!!” એવા શબ્દો મુરાદેવીના સાંભળવામાં આવ્યા. એ શબ્દો સાંભળીને મુરાદેવીને ઘણું જ આશ્ચર્ય થયું. તેથી તે હવે વિશેષ ધ્યાનથી એ શબ્દો સાંભળવા લાગી. પુનઃ એ જ “અમાત્ય રાક્ષસનો જયજયકાર હો!”ને ધ્વનિ સાભળતાં જ મુરાના મનમાં આશ્ચર્યને સ્થાને આનંદની છટા દેખાવા લાગી. એ આનંદના ઉભરામાં જ તે પોતાના મનને કહેવા લાગી કે, “ત્યારે એ દુષ્ટ ચાણક્યની સઘળી યુક્તિઓ અને ક૫ટવ્યૂહોને જાણી લઈને અમાત્ય રાક્ષસે પોતાનો જયજયકાર થાય, એવું વર્તન કર્યું ખરું ! એણે મહારાજાને જીવ બચાવ્યો.! ધન્ય, અમાત્ય રાક્ષસ ! તને ધન્ય !! તારું જીવન આજે સફળ થયું; હું કેવી પાપિની ?જેણે પ્રત્યક્ષ મારું પાણિગ્રહણ કર્યું, તે પતિનો દોષ કરીને હું તેનો જીવ લેવાને તત્પર થઈ ! અરેરે ! આ સમસ્ત આર્યાવર્તમાં જે દુષ્કૃત્ય કોઇએ પણ કર્યું નહિ હોય, તે મેં કરી બતાવ્યું ! પરંતુ તેમાંથી પણ તેં મહારાજને બચાવી લીધા ને ચાણક્યના કપટને તોડી નાંખ્યું, તે માટે તને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે. હવે મારા કુકર્મ માટે હું પોતે જ પ્રાયશ્ચિત્ત લઉં છું – અર્થાત્ દેહત્યાગ વિના હવે બીજું પ્રાયશ્ચિત્ત મારા માટે નથી ! ત્યારે હવે મારે આગળ શા માટે વધવું જોઇએ? અહીં જ મારા પાપી પ્રાણનું વિસર્જન કરું, એટલે પોતાની મેળે જ મારો ન્યાય થઈ જશે ! રાક્ષસે મહારાજાના અને બીજા જનોના પ્રાણનું અવશ્ય રક્ષણ કર્યું હશે, તેથી જ તેના નામનો આટલે બધો જયજયકાર વર્તી રહ્યો છે. નહિ તો તેનો આવો જયજયકાર શા કારણથી થાય વારુ? દુષ્ટ ચાણક્યના કપટનાટકનો ભેદ પ્રકટ થઈ ગયો હશે, અને એ ચાંડાલ હવે સારી રીતે સકંજામાં સપડાયો હશે. એને જે શિક્ષા થાય - મહારાજ જો એનો વધ કરાવે, તો તેથી બ્રહ્મહત્યાનું પાતક લાગવાને બદલે એક અત્યંત કષ્ટ બ્રાહ્મણરૂપધારી દૈત્યને નાશ કરવાનું પુણ્ય ફળ જ મળે. એ કદાચિત્ મારું નામ લેશે, છે ને લેતો - મારે પણ ક્યાં જીવવું છે ! એ પાપીના મોહકારક ભાષણથી મોહાઇને હું મારા પતિના નાશ માટે પ્રયત્ન કરવાને તૈયાર થઈ અને તે જ પળે મહા પાતકી તો થઈ ચૂકી – અર્થાત્ તે જ વેળાએ મારે આત્મબલિદાન આપવું જોઈતું હતું. પરંતુ મારાં પાપોનો ઘડો તે સમયે પૂરો ભરાયો નહોતો - તે હવે ભરાઈ ચૂક્યો છે. હવે એનું પ્રાયશ્ચિત્ત મળી જાય, એટલે એના સર્વાંશનો નાશ થઈ જાય.” એવા નાના પ્રકારના વિચારો તેના મનમાં ઘણા જ થોડા સમયમાં આવી ગયા. એ વિચારોના વર્ણનમાં અહીં જેટલો અવકાશ લાગ્યો છે, તેનો સોમા ભાગ જેટલો પણ અવકાશ એ વિચારો આવવામાં લાગ્યા નહોતો. મુરાદેવીના ઉતાવળના પોકારો બંધ થવાથી શિબિકાને ઉપાડીને ચાલનારા ભાઈએ પણ ધીમા ધીમા ચાલતા હતા. પરંતુ