પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
દરિદ્રી બ્રાહ્મણ.

સહન કરવું પડે છે એની કલ્પના એવા જ દારિદ્રયમાં જેના દિવસો ગએલા હોય, અથવા તો પાસે એક પાઈ પણ ન હોય - એવી સ્થિતિમાં પોતાના સમસ્ત આયુષ્યના માત્ર ચાર દિવસો પણ કાઢ્યા હોય - તે જ મનુષ્ય કરી શકે છે. જેને જ્યારે જોઈએ ત્યારે અન્નવસ્ત્ર મળ્યા કરે છે, અને કોઈ પણ પ્રકારની જેને કમી નથી; છતાં પણ બોલવાનો સમય આવે એટલે પોતાને દરિદ્રી તરીકે ઓળખાવી પોતાના દારિદ્રયનું વિવેચન કરતાં જેને લેશમાત્ર પણ શર્મ આવતી નથી એવા ઢોંગી દરિદ્રીઓને આપણા એ દરિદ્રી બ્રાહ્મણના દારિદ્રયની કલ્પના માત્ર થાય એ પણ અશક્ય જ છે. એ બ્રાહ્મણની બુદ્ધિ ઘણી જ તેજસ્વી અને અધ્યયન ચાતુર્ય મહાન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ તેને ત્યાં શીખવાને આવતા હતા; પરંતુ યાવની સત્તાનો આરંભ થયા પછી એક તો સંસ્કૃત વિદ્યાને ઉત્તેજન મળતું બંધ થયું અને વળી અધૂરામાં પૂરું પોતાની માતા માંદી પડી; તેથી તેનો બધો વખત માતાની શુશ્રુષામાં જ ચાલ્યો જતો હતો. અર્થાત્ વિદ્યાર્થીઓને ભણાવવાની તેને વેળા જ મળતી નહોતી. કારણ ગમે તે હોય પણ એ બ્રાહ્મણ સર્વથા દરિદ્રી – અઢારે વિશ્વા દરિદ્રી તો હતો જ. સવારમાં પૂરું થાય એટલું જ અન્ન સવારે ઘરમાં હોવાનું – સંધ્યાકાળની ચિંતા પરમેશ્વરને; એવો જ પ્રકાર ચાલતો હતો. એમ ચાલતાં ચાલતાં એક દિવસે તેની જનનીની પ્રકૃતિ ઘણી જ બગડી આવી. એક તો વૃદ્ધાવસ્થા અને બીજી વર્ષોની મનશ્ચિન્તા – એમાં વળી આજે શ્વાસની એકાએક પ્રબળતા થતાં ઊર્ધ્વવાયુ વધવા માંડ્યો. પુત્રે નિયમ પ્રમાણે જે ઉપચારો કરવાના હતા, તે સર્વ કર્યા; પરંતુ વ્યર્થ તે જ દિવસે લગભગ મધ્યરાત્રિને સમયે પોતાના પુત્રને “તારો ભાગ્યોદય સત્વર જ થશે. તેં જે મારી સેવા કરી છે તે વ્યર્થ જનાર નથી.” એવા આશીર્વાદ આપીને તે વૃદ્ધ માતાએ પ્રાણ છોડી દીધા.

માતાના મરણથી પુત્રને ઘણો જ ખેદ થયો, પરંતુ તેના મનનું સમાધાન કરનાર પણ ત્યાં કોઈ હતું નહિ. બિચારાને પોતાનો શોક પોતે જ શમાવીને પોતાની વૃદ્ધ જનનીની ઉત્તરક્રિયા ઈત્યાદિ સર્વ કાર્યો કરવાં પડ્યાં. એ સર્વે ક્રિયાઓ એ નિર્ધન બ્રાહ્મણે કેવી રીતે કરી હશે અને તેના મનની તે વેળાએ કેવી સ્થિતિ થઈ હશે, એ તો તે પોતે જ જાણે; આપણાથી કાંઈ પણ કહી શકાય તેમ નથી. ઉત્તરક્રિયા થઈ ગયા પછી તક્ષશિલામાં જ બેસી રહેવાનું એ તેજસ્વી બ્રાહ્મણને કાંઈ પણ કારણ હતું નહિ. એથી વિરુદ્ધ “આ યવનોના રાજ્યમાંથી નીકળીને બીજે ક્યાંય જવું, જ્યાં આર્ય રાજાનું રાજ્ય હોય અને મારી વિદ્વત્તાનું મૂલ્ય થવાનો જ્યાં સંભવ હોય એવી