પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
આત્મબલિદાન.

રંગો ક્ષણે ક્ષણે બદલાતા જાય છે; તેવી જ રીતે આ વેળાએ અનેક વિધ વિકારોથી તેના મનના રંગો બદલાતા જતા હતા અને તે મહા ઉત્સુકતાથી માર્ગને કાપતી જતી હતી. ભોઈઓ તેને સંભાળવાને પોતાથી બનતો પ્રયત્ન કરતા હતા, તેાપણ વચવચમાંથી લોકોનો વધારે ધસારો થતાં તેનો ત્રાસ તો થતો જ હતો. જો બીજી કોઈ વેળાએ મુરાદેવી નગરના કોઈ માર્ગમાંથી આવી રીતે ચાલી હોત, તો લોકોએ પોતાની મેળે જ દૂર ખસી ખસીને તેને ચાલવાનો માર્ગ આપ્યો હોત; પરંતુ અત્યારે પ્રસંગ એવો બન્યો હતો કે, તેથી સમસ્ત પ્રજાજનો સર્વથા અંધ જ બની ગયા હતા. તેમના મુખમાંથી દુઃખ, ઉદ્વેગ અને નિરાશાના અનેક ઉદ્દગારો નીકળતા સાંભળવામાં આવતા હતા. જાણે તેઓ ભયંકર આદર્શવાળી ભૂમિથી જેટલી ઉતાવળે અને જેટલું દૂર જઈ શકાય તેટલું સારું, એવી જ ભાવનાથી ભાગતા હોયની ! એવો તેમનો ગભરાટનો ભાવ હતો. એવા ભયના સમયે બીજાના માન અને મહત્ત્વનું ભાન તો ક્યાંથી રહી શકે વારુ ? તેમ જ મુરાદેવી આ વેળાએ મોટા ઠાઠમાઠથી કે નોકર ચાકરોના સાથને સાથે લઈને પણ નીકળી નહોતી, એટલે એ રાણી છે, એમ જાણવું પણ અશક્ય હતું. એ જ તેના ત્રાસનું એક મોટું કારણ હતું.

ચાલતાં ચાલતાં તે એક એવા સ્થાને આવી પહોંચી કે જ્યાં લોકોની ઘણી જ ભીડ જામેલી હતી. એટલે તેના બન્ને પરિચારકોએ તેને વિનતિ કરી કે, “ મહારાજ્ઞિ ! હવે અહીંથી એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. માટે આપ પાછાં ચાલો. એ વિના હવે બીજો ઉપાય જ નથી.” પરંતુ ચાલતાં ચાલતાં માર્ગમાં તેણે લોકોના જે ઉદ્ગારો સાંભળ્યા હતા, તેના આધારે ત્યાં શું થએલું હોવું જોઇએ, એનું તે અનુમાન કરી શકી હતી, તે તર્ક પ્રમાણે જ જો બધું બની ગયું હોય તો પોતે પણ ત્યાં જ પ્રાણ અર્પવાનો તેણે નિશ્ચય કર્યો. એ હેતુથી તે બન્ને પરિચારકોને ઈનામો આપવાની મોટી લાલચ દેખાડીને તેણે પ્રાર્થના કરી કે, “મને આ જનસમુદાયને પેલે છેડે લઈ ચાલો - જ્યાં એ ભયંકર ઘટના બનેલી છે, તે સ્થાનપર્યન્ત મને કોઈ પણ જોખમે પહોંચાડો. હું તમને ઘણું જ સારું ઈનામ આપીશ. મારા કામમાં જરા પણ ખામી કરશો નહિ.” રાણીના એવા આગ્રહથી અને તેમની પોતાની જિજ્ઞાસા પણ જાગૃત થએલી હતી, તેથી મુરાદેવીને તે સ્થળે પહોંચાડવાની તેમણે હિમત કરી. બન્ને જણ રાણીની બન્ને બાજુએ ચાલવા લાગ્યા અને પોતાના હાથની કોણીએથી લોકોને હટાવી હટાવીને નિર્વિઘ્ને રાણીને ઠેઠ રાજમહાલયના દ્વાર પાસે લાવીને તેમણે ઊભી રાખી. ત્યાં જે ભયંકર દેખાવ તેના જોવામાં આવ્યો,