પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કોઈ રાજસભામાં જવું અને જો બની શકે તો તે રાજાને પોતાની ધનુર્વિદ્યામાંની નિપુણતા અને નીતિશાસ્ત્રજ્ઞતાનો ચમત્કાર બતાવીને યવન રાજાએ પોતાનો કહેવાથી અહંકારના શિખરે ચઢી બેઠેલા આર્ય રાજાનો પરાભવ કરવા માટે ઉશ્કેરવો. યવનરાજ અને યવનના અનુયાયી આર્ય રાજાનો નષ્ટપ્રાય કરીને પૂર્વ પ્રમાણે સર્વ આર્યમય કરવું.” એ મહત્ત્વાકાંક્ષા પણ તેના મનમાં સાહજિક આવી. “પરન્તુ સ્વદેશનો ત્યાગ કરવો?” એવી વળી તેના મનમાં શંકા ઉદ્દભવી. થોડીવાર તે વિચારમાં પડી ગયો અને વળી કહેવા લાગ્યો. “બુદ્ધિમાનોનો કોઈપણ વિશિષ્ટ સ્વદેશ હોતો નથી. જે દેશમાં તેઓ જાય છે, તે દેશ તેમને સ્વદેશ પ્રમાણે જ ભાસે છે. જ્યાં પોતાનો જન્મ થયો અને જેમાં પોતાની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાનો થોડો ભાગ વીત્યો, એને જ જો સ્વદેશ નામ આપવામાં આવતું હોય, તો તે દેશ તો યવનોનો છે - અર્થાત્ તે દેશ અનાર્યોના અધિકારમાં જતાં ત્યાં અનાર્ય આચારોનો જ પ્રચાર થવા લાગ્યો છે. એવી સ્થિતિમાં કેવળ પોતાની જન્મભૂમિ કહીને જ એ દેશને વળગી રહેવું, તે સડેલાં ફળોના સમૂહમાં રહીને સારાં ફળો પણ સડી જવા જેવું જ કહી શકાય. એના કરતાં તો કોઈ બીજા દેશમાં જઈને પોતાના મૂળ દેશના ઉદ્ધાર માટે જો થાય તો કાંઈ પ્રયત્ન કરવો, એ જ વધારે લાભકારક છે, ભિક્ષા માગીને જ જ્યારે પેટ ભરવાનું છે, ત્યારે તે પરદેશમાં જઈને કાં ન ભરવું? વખતે ત્યાં વિદ્વત્તાની પરીક્ષા પણ થાય, એવો સંભવ છે ” એ પ્રમાણે વિચાર કરીને આર્ય વિષ્ણુ શર્માએ પોતાની તે દરિદ્રી પર્ણકુટીની આજ્ઞા લીધી. એ પર્ણકુટીના ત્યાગથી તેના મનમાં કિંચિત્માત્ર પણ ખેદ થાય તેમ હતું નહિ. “પરંતુ આ ભૂર્જપત્ર અને તાડપત્રપર લખેલાં પુસ્તકોની શી વ્યવસ્થા કરવી ?” એના વિચારમાં તે પડી ગયો. પુસ્તકને ત્યાં જ રાખી જવાની તો તેની ભાવના જ નહોતી, ત્યારે સાથે પણ કેવી રીતે લઈ જઈ શકાય? તેની વૃદ્ધ માતુશ્રી જીવતી હતી તે વેળાએ જો તેને કોઈએ "તારી માતાને તું અહીં છોડીને ચાલ્યો જા.” એમ કહ્યું હોત અને તેને જેટલું માઠું લાગ્યું હોત, તેટલું જ આજે પુસ્તકોને છોડી જવાનો પ્રસંગ આવતાં તેને માઠું લાગ્યું. પણ એ માઠું લાગવાથી શું થઈ શકે? હવે એનો કાંઈ પણ ઉપાય તો કરવો જોઈએ જ. એના અનેકવિધ વિચાર તરંગોમાં તે ગોથાં ખાયા કરતો હતો. ભયંકર દુષ્કાળના સમયમાં પોતાના પુત્રોને ત્યાગવાનો જેમને પ્રસંગ આવેલો છે – અને તે દરિદ્રી માતાપિતાને જેવા દુઃખનો - મરણપ્રાય દુઃખનો અનુભવ થએલો હોય છે - છતાં પણ પાછા મળવાની