નહિ. કારણ કે, ચાણક્ય તેનો ગુરુ હતો, તેણે જ તેને પિતા પ્રમાણે પ્રેમથી પાળીને મોટો કર્યો હતો અને તેને રાજ્યાસને બેસાડવાના હેતુથી તે જે જે કારસ્થાનો કરતો હતો, તે ચન્દ્રગુપ્ત સર્વ સારી રીતે જાણતો હતો, છતાં પણ તેનાં તે કારસ્થાનોમાં રહેલું અત્યંત કાળાપણું તેને તિલભાર પણ ગમતું હતું નહિ. જેવી રીતે કોઈ પિતાનાં કૃત્યો તેના પુત્રને ન ગમતાં હોવા છતાં પણ તેનાથી તે વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારી શકાતો નથી અને તે ઉચ્ચારવામાં પિતૃદ્રોહની શંકા થાય છે, તેવી જ આ વેળાએ ચન્દ્રગુપ્તની સ્થિતિ થએલી હતી. સારું શું અને નઠારું શું, એ જોવાનું કાર્ય ચન્દ્રગુપ્તનું નહોતું. ચાણક્યની આજ્ઞાનુસાર વર્તવું, એ જ તેનું કર્તવ્ય હતું. ચાણક્ય પણ એ જ રીતે તેને વર્તાવતો હતો અને ચન્દ્રગુપ્ત પણ એ જ રીતે વર્તતો હતો. પર્વતેશ્વર જો કાંઈપણ પૂછે, તો તેને ઉડાવનારા જવાબો જ આપવાનું ચાણક્યે એને કહી મૂક્યું હતું, તેથી ચન્દ્રગુપ્ત તે જ પ્રમાણે વર્ત્યો, એ આપણે જોયું.
ચન્દ્રગુપ્ત પર્વતેશ્વરને પકડી લાવે છે કે નહિ ? એ જ ચિન્તામાં ચાણક્ય નિમગ્ન થઈ ગયો હતો. એટલામાં દૂતોએ આવીને પર્વતેશ્વરના પકડાવાના સમાચાર સંભળાવતાં જ તેના હર્ષનો પાર રહ્યો નહિ. તેને હવે પોતાના જન્મની સફળતા ભાસવા લાગી. તે એકદમ ઊઠ્યો અને હવે ચન્દ્રગુપ્તને મહાન્ જયઘોષથી પાટલિપુત્રમાં લાવવા માટેની અને તેના નામની દોહાઈ ફેરવવા માટેની શી શી યોજનાઓ કરવી, એના વિચારમાં લીન થયો.
ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પકડ્યો અને તેને કેદ કરીને લઈ આવ્યો, એથી પોતાના સમસ્ત હેતુઓને સિદ્ધ થએલા જોઇને ચાણક્ય પોતાને કૃત કૃત્ય માનવા લાગ્યો, અને હવે પછી શી વ્યવસ્થા કરવી, તેનો વિચાર કરવા લાગ્યો. એ ગત પ્રકરણના અંતમાં આપણે જાણી આવ્યા છીએ. ચન્દ્રગુપ્તને મોટા ઠાઠમાઠથી કુસુમપુરમાં લઈ આવવો અને તેની આગળ પર્વતેશ્વરને ચલાવવો, એ નિશ્ચય તો તેણે કરી જ રાખ્યો હતો. તે પ્રમાણે સમસ્ત નગરમાં તેણે ચન્દ્રગુપ્તના નામનો જયજયકાર પ્રવર્તાવીને ઉદ્ઘોષક (જાહેરનામું આપનાર) દ્વારા તેણે એવો વૃત્તાંત પ્રજાજનોને જણાવ્યો કે, “મહારાજ ધનાનન્દ અને તેના પુત્રોનો કોઈ દુષ્ટે ઘાત