લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
દરિદ્રી બ્રાહ્મણ.

આશાએ તે પુત્રોને કોઈ સુખી ગૃહસ્થને ત્યાં મૂક્યા વિના તો તેમનો છૂટકો નથી જ થતો; તેવી જ નિરાધાર વિષ્ણુશર્માની અવસ્થા થઈ પડી. પુસ્તકોના ભારા બાંધીને પીઠ પર ઉપાડી જવા, એ સર્વથા અશક્ય હતું; કારણ કે, એક તો તે દરિદ્રી હતો, તેથી કોઈ વાહન ખરીદવા માટે તેના પાસે પૈસા હતા નહિ અને વાહન કોઈ વિનામૂલ્ય પણ આપે, તો નદી નાળાઓમાંથી તેને ચલાવીને લઈ જવું કેવી રીતે? કદાચિત્ લઈ જઈ શકાય, પણ મૂળ વાહન વિનામૂલ્ય આપે જ કોણ? એ સઘળાં અનુકૂલ પ્રતિકૂલ કારણોના વિચાર પછી અંતે એ ભૂર્જપત્રી અને તાડપત્રી પુસ્તકરૂપી સર્વ સંપત્તિ પોતાના એક મિત્રને ત્યાં રાખીને તેણે તક્ષશિલાને ત્યાગી મગધદેશ પ્રતિ શીધ્ર પ્રયાણ કર્યું - તે વિદેશગામી થયો.

ઉપર કહેલું જ છે કે, એ કાળે પાટલિપુત્ર અથવા પુષ્પપુરી એ નગર ઘણી જ ઉન્નત દશામાં હતું. ઉત્તર હિંદુસ્તાનમાં આર્યોનું માત્ર એ જ મોટું અને વૈભવવાળું રાજ્ય હતું અર્થાત યવનોના રાજ્યમાં ન વસવાની ઇચ્છાથી જે જનો દેશત્યાગ કરતા હતા, તે સર્વે એ પાટલિપુત્ર નગરમાં જ આવીને પોતાના કળાકૌશલ્યની અને ભાગ્યની પરીક્ષા કરતા હતા. મગધદેશનું રાજ્ય આપણી વાર્તાના સમયમાં ઘણું જ વિસ્તૃત હતું. સિકંદરની સેનાએ ગંગાપાર ઊતરીને એ રાજ્ય પર આક્રમણ કરવાનો પણ એક બેવાર પ્રયત્ન કરેલો હતો, પણ તેનો એ પ્રયત્ન સર્વથા નિષ્ફળ જ નીવડ્યો હતો. પૌરસ(પર્વતેશ) રાજાનો પરાજય કરીને પંજાબ દેશને પોતાના તાબામાં કરી લેવાના મદથી છકી ગએલા સિકંદરે મગધ દેશમાં સજ્જડ માર ખાધો. પાછળથી તેનાં પોતાના માણસો પણ તેના અયોગ્ય આચરણથી કંટાળી ગયા અને તેમણે આગળ વધવાની સાફ ના પાડી; એટલું જ નહિ, પણ “અમારો પોતાનો વધારે નાશ કરવાને હવે અમે આગળ વધવાના નથી જ.” એવો તેમણે સિકંદરને મોઢામોઢ જવાબ આપી દીધો અને એથી નિરુપાયે સિકંદરને વીલે મોઢે પાછું ફરવું પડ્યું હતું. મગધદેશના શુરવીરો સમક્ષ સિકંદર અને તેના અસંખ્ય સૈન્યનું કાંઈ પણ ચાલી શક્યું નહિ. કારણ કે, “પાણી પહેલાં પાળ ચણી રાખવી જોઈએ” એ ન્યાયને અનુસરીને મગધદેશવાસીઓએ પ્રથમથી જ સિકંદરના હલ્લાને રોકવાની જોઈએ તેવી પૂરતી તૈયારીઓ કરી રાખી હતી. શત્રુઓને આવતાંની સાથે જ ત્રાહિ ત્રાહિ પોકારવાની ફરજ પાડવાનો તેમણે નિશ્ચય જ કરી રાખેલો હતો. એવા નિશ્વયવાળા અને યુદ્ધકળાપ્રવીણ લોકો સામે લડાઈમાં ઊતરવાથી વધારે લાભની આશા નથી જ, એ સારી રીતે જાણી જવાથી જ યુદ્ધ કર્યા વિના સિકંદરે પોતાની જન્મભૂમિનો માર્ગ લીધેલો હોવો જોઈએ.