પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
ચન્દ્રગુપ્તની સ્વારી.


ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પોતાની સભામાં બોલાવીને ચાણક્ય અને ભાગુરાયણ સમક્ષ કેટલાક પ્રશ્નો પૂછવા માંડ્યા. પ્રથમ તો તેણે એનાં કાંઈ પણ ઉત્તર આપ્યાં નહિ, પણ છેવટે કેટલોક ઊહાપોહ થતાં તેણે જણાવ્યું કે, “મારાપર રાક્ષસનાં કેટલાંક પત્રો આવ્યાં, તેથી જ હું પાટલિપુત્ર પર ચઢી આવ્યો.” પરંતુ એટલા જ ઉત્તરથી ચાણક્યના મનનું સમાધાન થયું નહિ. “રાક્ષસનાં તે પત્ર ક્યાં છે?” એવી ચાણક્યે માગણી કરી. એવિશે ઘણીક હા ના થતાં પર્વતેશ્વરે અંતે તે પત્ર કાઢીને ચાણક્યને હવાલે કર્યા. એ પત્રમાં નન્દવંશના નાશ માટે યોજેલી યુક્તિનો જે કે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, તો પણ અમુક એક યુક્તિ કરેલી છે, એમ સ્પષ્ટ લખેલું હતું. પર્વતેશ્વરે જે જે ઉત્તરો આપ્યાં, તે સઘળાં ચાણક્યે કારકૂનદ્વારા સવિસ્તર દફતરમાં ઉતરાવી લીધાં. ત્યારપછી પોતાનાં કારસ્થાનોની આવી રીતે સફળતા થએલી જોઇને તેના મનમાં ઘણો જ આનન્દ થયો. એ સર્વ થઈ રહ્યા પછી ભાગુરાયણને એકબાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ ! હવે તમારે એક વાત કરવાની છે. અમાત્ય રાક્ષસને આપણા હાથમાંથી જવા દેવો એ સારું નથી. માટે તમે યુક્તિથી તેને મળો અને તેને આપણી સાથે મળી જવામાટે પ્રાર્થના કરો. એ પ્રાર્થનાનો તે શો જવાબ આપે છે, તે સત્વર મને જણાવો. પર્વતેશ્વરે જે કાંઈ કહેલું છે અને પત્રો આપણને આપેલાં છે, તેવિશે જરા જેટલો ઈશારો પણ તેના સમક્ષ કરશો નહિ. તેને તો તમારે એમ જ કહેવું કે, જે થવાનું હતું તે થઈ ગયું છે, માટે હવે જે નન્દવંશનો ઘાત કરનારા હોય, તેમને આપણે બધાએ મળીને શોધી કાઢવા જોઇએ, અને તેમનું યોગ્ય રીતિથી પારિપુત્ય કરવું જોઇએ. સારાંશ કે, જે રીતે તેનું મન આપણા પક્ષપ્રતિ આકર્ષાય તે જ રીતિનું તમારે અવલંબન કરવું.” ભાગુરાયણે એ સર્વ ધ્યાનપૂર્વક સાંભળી લીધું, પરંતુ ચાણક્યે કહેલું કાર્ય પોતાને હાથે થઈ શકવાનું નથી જ, એવો તેનો દૃઢ નિશ્ચય હતો. તેમ જ એનાથી એ કાર્ય થશે અને રાક્ષસ એની પ્રાર્થનાને સ્વીકારશે, એવી ચાણક્યની પણ ધારણા હતી નહિ. તો પણ બીજી કોઈ યોજના કરી શકાય તે પહેલાં રાક્ષસના મનમાં હાલમાં શા વિચારો ચાલેલા છે, તે કાઢીને જાણી લેવા, એટલે જ એમ કરવામાં તેનો હેતુ હતો. સેનાસ્થાનમાં જઈને રાક્ષસ શું શું બોલી આવ્યો હતો અને ભાગુરાયણ સાથે તેનું શું શું સંભાષણ થયું હતું તેમ જ ભાગુરાયણ વિશે તેણે કેવા ઉદ્ગારો કાઢ્યા હતા, એ બધું ચાણક્યના જાણવામાં આવી ચૂક્યું હતું. એટલે હવે ભાગુરાયણ કાંઈ પણ પ્રશ્ન કરશે કે રાક્ષસ છેડાઈ જ જવાનો અને