પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
રાક્ષસની પ્રતિજ્ઞા.

તેનો શોધ કરવા માંડ્યો હતો. શોધ કરતાં કરતાં અમાત્યની પાછળ ફરતા ચાણક્યના ચારની સહાયતાથી તેણે રાક્ષસને પકડી પાડ્યો.



પ્રકરણ ૩૧ મું.
રાક્ષસની પ્રતિજ્ઞા.

રાક્ષસ ઘણો જ મૂંઝાઈ ગયો હતો, હવે શો ઉપાય કરવો, એની તેને કાંઈ પણ સૂઝ પડી નહિ. પ્રતિહારી પોતાના જે મિત્રને ઘેર તેને લઈ ગયો હતો, તે ઘરમાંથી હવે બહાર કેમ નીકળવું અને નીકળવાથી કદાચિત્ પ્રાણહાનિ તો નહિ થાય, એવી તેના મનમાં શંકા આવવા લાગી, અથવા તો ભીતિ થવા લાગી, એમ કહીશું તો પણ ચાલશે. પ્રતિહારીના મુખે તે એમ સાંભળી ચૂક્યો હતો કે, “રાક્ષસે જ રાજકુળનો નાશ કરાવ્યો, એવી બધાની માનીનતા છે.” જો એવી તેમની માનીનતા હોય, તે લોકોનું મન અવશ્ય મારા વિશે કલુષિત અને શંકાશીલ થએલું હોવું જોઈએ, અને મેં જ રાજકુલનો નાશ કરાવ્યો છે, એવી જ શંકાથી જો તેઓ મને જોતા રહેશે, તો મને તેઓ ઊભોને ઊભો જ બાળી નાખશે – એમાં કાંઈ પણ સંશય નથી. એવી તેના મનમાં ભીતિ થઈ. રાક્ષસ જો કે સ્વભાવે બીકણ તો નહોતો, વિરુદ્ધ પક્ષે તે શૂરવીર હતો; પણ હાલનો પ્રસંગ જ એવો વિલક્ષણ હતો કે, માત્ર શૌર્યનો કાંઈ પણ ઉપયોગ થઈ શકે તેમ હતું નહિ. અરણ્યમાંની અગ્નિજવાળા પ્રમાણે જ્યાં એકવાર અસત્ય અને નઠારા મતનો પ્રસાર થઈ ગયો, ત્યાં તેને સુધારવાનો એકલા હાથે તો કેટલોક પ્રયત્ન થઈ શકે ? “આજસુધી હું આટલી બધી રાજનિષ્ઠાથી વર્ત્યો, અને નન્દના રાજ્યનો યશોદુંદુભિ સમસ્ત પૃથ્વી તલપર ગર્જતો રહે, એવી વ્યવસ્થા કરી, એ સર્વ પરિશ્રમેાનું મને આવું જ ફળ મળ્યું ને? નાનાથી મોટા સુધીના સર્વે અધિકારીઓ મારા તાબામાં છે, એમ જાણીને વિશ્વાસ રાખીને હું બેસી રહ્યો તેનું પરિણામ આવું આવ્યું ને? સમસ્ત ભારત વર્ષમાં કયા દેશમાં શો પ્રકાર ચાલેલો છે, કયા રાજાનો શો વિચાર છે અને પાટલિપુત્રમાં કોની દૃષ્ટિ છે, એ સર્વનો શોધ કરી તેમનાં રહસ્યોને જાણનારો હું અમાત્ય રાક્ષસ મારા પોતાના જ નગરમાં રચાતાં કારસ્થાનોને જાણી ન શક્યો, એ મારો કેટલો બધો પ્રમાદ !!!” એવા એવા અનેક પ્રકારના વિચાર કરતો તે બિચારો પોતાના સ્થાને સ્વસ્થ અને દિગ્મૂઢ થઈને બેઠેલો હતો, એટલામાં સેનાપતિ ભાગુરાયણ અચાનક ત્યાં આવી પહોંચ્યો. જેના ઘરમાં અમાત્ય બેઠેલો હતો, તે પ્રથમ તો બારણું ઉઘાડવામાં જ