પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


આજે કેટલાંક વર્ષો થયાં પાટલિપુત્રમાં નંદ નામના રાજાઓ રાજ કરતા હતા. એ નંદવંશ મહા પ્રતાપી હતો. વિષ્ણુશર્મા જે સમયે પાટલિપુત્રમાં આવ્યો, તે સમયે ત્યાં ધનાનંદ નામક રાજા રાજસિંહાસને વિરાજમાન હતો. યાવની રાજ્યમાંના વિદ્વાનો એની રાજસભામાં આવવા લાગ્યા હતા અને માન પણ પામવા લાગ્યા હતા. એથી રાજસભામાંના આશ્રિત પંડિતોના મનમાં ઘણો જ મત્સર ઉત્પન્ન થયો. વિષ્ણુશર્મા પંડિતથી પૂર્વે બીજા એવા અનેક વિદ્વાનો એ રાજસભામાં આવીને રહ્યા હતા. પ્રથમ પ્રથમ તો એ બીના રાજા અને તેની સભાના પંડિતોને મહા કૌતુકાસ્પદ જોવામાં આવી; પરંતુ જેમ જેમ રાજાની દાનશીલતા અને ગુણગ્રાહકતાની કીર્તિ ભારત વર્ષમાં સર્વત્ર પ્રસરતી ગઈ, તેમ તેમ વિદ્વાન યાચકો ત્યાં વધારે અને વધારે પ્રમાણમાં આવવા લાગ્યા. રાજસભામાં પંડિત ને વિદ્વાન લોકો આવેલા હોવાથી કેટલીક વાર સભામાં રાજા સમક્ષ તેમનો વાદ વિવાદ થતો હતો; તેમાં સર્વદા સભાપંડિતોનો પરાજય થતાં તેમને નીચું મોઢું ઘાલીને બેસી રહેવું પડતું હતું. એ રાજસભામાં વિષ્ણુ શર્માં આવ્યો, તે પહેલાં જ રાજસભાના પંડિતોના હૃદયમાંના મત્યસરરુપ અગ્નિ ભીષણતાથી પ્રજળી ઉઠ્યો હતો અને તેવામાં વિષ્ણુશર્માનું આગમન થતા તેમાં ઘી હોમાયું. વિષ્ણુશર્માએ કોઈની શિફારસ ન મેળવતાં એકદમ જઈને રાજસભામાં પ્રવેશ કર્યો. આજ સુધીમાં આવેલા બીજા પંડિતોએ કોઈ એક સભાપંડિત દ્વારા સભામાં પ્રવેશ કરેલો હતો; એ એક નિયમ જ પડી ગયો હતો; પણ આ જમદગ્નિગોત્રી બ્રાહ્મણને એ નિયમ માન્ય હતો નહિ. “મારામાં જો કાંઈ પણ ગુણ હશે, તો તે મહારાજને દેખાઈ આવશે - નહિ તો કાંઈ નહિ.” એવો નિશ્ચય કરીને સભા ભરાયલી હતી, તે સમયે દુર્વાસા ઋષિ પ્રમાણે એકાએક તેણે સભામાં પ્રવેશ કર્યો અને રાજાને આશીર્વાદ આપ્યો. આશીર્વાદના શ્લોકની રચના તેણે પોતે જ કરેલી હતી અને તેનો ઉચ્ચાર ધીર, ગંભીર તથા અસ્ખલિત વાણીવડે થવાથી તે સાંભળતાં જ સર્વ સભાજનો ચકિત થઈને એક ધ્યાનથી એને જોઈ રહ્યા. વિષ્ણુશર્માની આવી સર્વથા ઉદ્ધત પદ્ધતિથી સભાપંડિતોએ સહજમાં જ અનુમાન કરી લીધું કે, “એ કોઈ અસામાન્ય બુદ્ધિમાન, તેજસ્વી અને વિદ્વાન બ્રાહ્મણ છે, એટલું જ નહિ, પણ આ રાજસભામાં જો એકવાર આનો સંચાર થયો, તો આપણા માથાપર એ જરૂર ચઢી બેસવાનો; માટે એને ક્ષણમાત્ર પણ અહીં રહેવા દેવો ન જોઈએ.” એવા ચાર પાંચ અગ્રેસર પંડિતોના મનનો ભાવ થતાં તેઓ પોતપોતામાં ઘુસપુસ કરવા લાગ્યા.