લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

લિખિત ઉત્તર મોકલ્યું:-“વ્યાધપતિ પ્રદ્યુમ્નદેવના ચિરંજીવી કુમાર ચન્દ્રગુપ્તને અમાત્ય રાક્ષસના અનેક આશીર્વાદ હો ! વિશેષ, આપનું પત્ર મળ્યું, તેમાં લખ્યા પ્રમાણે પર્વતેશ્વરનાં કૃષ્ણ કારસ્થાનોની તપાસ કરવાનું મહત્ કાર્ય બજાવવાને હું તૈયાર છું. માત્ર તે તપાસમાં જે જે વ્યક્તિઓ અપરાધી સિદ્ધ થાય, તેમને હું કહું તે પ્રમાણે શિક્ષા થવી જોઇએ, એવી વ્યવસ્થા કરવાની કૃપા કરશો. મારું એ વચન માન્ય રખાય, તો બીજો કોઈ પણ જાતનો વાંધો મને નથી. નદવંશનો ઘાત કરનારાઓને શિક્ષા કરવારૂપ એ નષ્ટ વંશની આ છેલ્લી સેવા જ મારા હાથે થવાની છે. ઇતિ.” એ પત્ર વાંચતાં જ ચાણક્ય હર્ષઘેલો થઈ ગયો અને પોતાના નીતિનૈપુણ્યની હવે સીમા થઈ, એમ માનવા લાગ્યો. હર્ષના ઉભરામાં તે આત્મગત કહેવા લાગ્યો કે, “અમાત્ય રાક્ષસ ! હવે તું મારી જાળમાં પૂરેપૂરો સપડાયો !” એ વાક્યોયે ઉચ્ચારીને પોતાના વિજયના ચિન્હ તરીકે તેણે તાળી વગાડી.



પ્રકરણ ૩૨ મું.
ન્યાય શેા થયો?

રાક્ષસને પ્રમુખ નીમવાની યુક્તિમાં ચાણક્યના મનનો હેતુ એટલો જ હતો કે, તેને એકવાર ગમે તેમ કરીને પણ તેના અજ્ઞાતવાસમાંથી બહાર કાઢવો અને ખુલ્લા મેદાનમાં લાવવો, ત્યારપછી તેની સારીરીતે ફજેતી કરીને ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડવાના કાર્યમાં પણ તેને જ અગ્રણી બનાવવો. ચાણક્ય મહાન નીતિચતુર, કુટિલ, પોતાના વૈરીનો સર્વથા નાશ કરવામાં સર્વદા તત્પર અને મહાકોપિષ્ટ ઇત્યાદિ સર્વ વિષયોમાં પૂરો દુર્ગુણી હતો, પરંતુ એક મહાન અવગુણ તેનામાં સર્વથા હતો નહિ – અર્થાત્ તેના હૃદયમાં લોભનો છાંટો પણ નહોતો. તેને અધિકારની દરકાર નહોતી, તેમ જ દ્રવ્યની અભિલાષા નહોતી. માત્ર પોતાને અપાયલું અપમાન સહન ન થઈ શકવાથી જ તેણે નન્દકુળના નાશની ધોરતમા પ્રતિજ્ઞા કરી હતી અને કોઈ પણ પ્રયત્ને તે પાર પાડવાની તેની પૂર્ણ અભિલાષા હતી. તે પાર પાડવામાટે જે જે પ્રયત્નો કરવાના હતા, તે સર્વ તે કરી ચૂક્યો હતો. પોતે ઔષધિઓનું સારું જ્ઞાન ધરાવતો હોવાથી વૈદ્ય બની અનેકોના રોગો ટાળી તેણે હિમાલયમાં વસતા વ્યાધ આદિ લોકોની કૃપા મેળવી હતી. ધનુર્વેદ જેવાં શાસ્ત્ર અને તેના પ્રયોગોમાં પોતે ઘણો જ પ્રવીણ હોવાથી એ જ્ઞાનનો પણ તેમના બાળકોને લાભ આપીને તેણે તેમને બધાને પોતાના બનાવી લીધા હતા. સારાંશ કે, સર્વથા