પર્વતેશ્વરનો હજી તો બહુ જ વધારે બોલવાનો વિચાર હતો, પરંતુ
તેના મનમાંનો તાપ એટલો બધો વધી ગયો કે, તેના મુખમાંથી શબ્દ
જ નીકળી શક્યો નહિ.
રાક્ષસ તો પર્વતેશ્વરનું એ બોલવું સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગયો. “તમારી મુદ્રાવાળાં પત્રો આવ્યાં, તેથી હું પાટલિપુત્રમાં આવ્યો;” એમ એ કહે છે, એનો ભાવાર્થ શો હશે ?” એની તેને કાંઈ પણ સમજ પડી નહિ, અને હવે શું ઉત્તર આપવું, એ વિશેના મહા તે વિચારમાં પડી ગયો.
ચન્દ્રગુપ્ત, રાક્ષસના મનની સ્થિતિને સારી રીતે જાણી ગયો. કિંબહુના એમ થવાનું જ, એવો તર્ક તેણે પ્રથમથી જ કરી લીધો હતો તેથી ઘણી શાંતિથી તે પર્વતેશ્વરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “પર્વતેશ્વર! વ્યર્થ કોઈના નામનો ઉલ્લેખ કરીને તેના શિરે દોષારોપ કરવાથી કાંઈપણ લાભ થવાનો નથી. અમાત્ય રાક્ષસ અત્યારે ન્યાયાધીશના સ્થાને વિરાજેલા છે, માટે રાજકુળનો વધ કેવી રીતે અને શા કારણથી કરવામાં આવ્યો અને તમારે મગધદેશપર કેમ ચઢી આવવું પડ્યું, એની જે હકીકત તમે જાણતા હો તે કહી સંભળાવો. કારણ કે, એનો ન્યાય કરીને અપરાધીને શિક્ષા કરવાનું કાર્ય અમાત્યને જ સોંપવામાં આવ્યું છે. તમારું આ યદ્વાતદ્વા ભાષણ કોઈ પણ સાંભળવાનું નથી. તમે મોટા રાજા છો, માટે તમારી પાસેથી ખંડણી લઈને તમને પાછા તમારા દેશમાં વિદાય કરવા, એ જ જો કે યોગ્ય છે; પરંતુ તેમ કરવું કે તમને હંમેશને માટે અહીં જ કારાગૃહમાં રાખવા, એનો નિર્ણય તમારા પોતાના ભાષણથી જ થવાનો છે. જો તમે બધો સત્ય વૃત્તાંત જણાવી ખરા અપરાધીઓને પકડાવી આપશો અથવા માત્ર તેમનાં નામો પણ જણાવશો, તો અમે થોડો દંડ લઈને તમને છૂટા કરીશું. નહિ તો આ ન્યાયાધીશ અમાત્ય રાક્ષસ... ...”
“ વાહવા ! અમાત્ય રાક્ષસ ન્યાયાધીશ !” પર્વતેશ્વર વિકટતાથી હસીને કહેવા લાગ્યો. “ત્યારે તો આપના આ પાટલિપુત્રમાં અપરાધીઓને જ ન્યાયાધીશનું સ્થાન આપવાની રીતિ હોય, એમ જ જણાય છે. અરે ! એ દુષ્ટે પોતે જ મારાપર પત્રો મોકલ્યાં હતાં કે, અમુક દિવસે આવી રીતે હું રાજકુળનો નાશ કરવાનો છું, માટે તે સંધિ સાધીને થોડાક સૈન્ય સાથે આવીને તમારે એકદમ પાટલિપુત્રને ઘેરી લેવું વધારે સૈન્ય લાવશો, તો લોકોના મનમાં વિનાકારણ શંકા ઉત્પન્ન થશે. મારી પૂર્ણ રીતે અનુકૂલતા છે, તો આપે બીજા કોઈની ભીતિ રાખવાની નથી; એમ