પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
ન્યાયાધીશ કે અપરાધી?

એનો આધાર તમારી ઇચ્છા૫ર રહેલો છે, જ્યાં ન્યાયાધીશ ચોર, લુંટાક અને ધાતકી હોય, ત્યાં ન્યાય મળવાની આશા તો કયાંથી જ રાખી શકાય?”

એમ કહીને પર્વતેશ્વરે પોતાપાસેનાં સર્વ પત્ર ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણને આપી દીધાં, તે લઇને તેમણે અત્યંત આશ્ચર્યયુક્ત મુદ્રાથી સમગ્ર વાંચ્યાં, અને ત્યાર પછી ઘડીકમાં રાક્ષસના મુખનું તો ઘડીકમાં પર્વતેશ્વરના મુખનું તેઓ અવલોકન કરવા લાગ્યા, જાણે હવે શું કરવું? એનો ઉપાય જ તેમને સૂઝતો ન હોય, એવો તેમનો ભાવ દેખાતો હતો. વાસ્તવિક રીતે તો હવે રાક્ષસ શું કરે છે, એ જ તેમને જોવાનું હતું. કિંબહુના, એ જોવા માટે જ તેમણે આવી રીતે એકાંતમાં ન્યાય આપવાની વ્યવસ્થા કરેલી હતી, “આપણે જો વચમાં કાંઈપણ બોલીશું, તો વિનાકારણ રાક્ષસના મનમાં સંશય આવશે અને એ સંશયથી જો તેને લાભ નહિ થાય, તો આપણે જે કાર્ય સાધવાનું ધાર્યું છે, તેની સિદ્ધિનો સંભવ કાંઈક ન્યૂન થશે.” એવી ધારણાથી તેઓ મૌન ધારી રહ્યા.

રાક્ષસ તો બુદ્ધિહીન જ બની ગયો. પોતા પર પર્વતેશ્વર વિનાકારણ દોષારોપ કરે છે, એ રાક્ષસ સારી રીતે જાણી શક્યો, પરંતુ તે પત્ર પરની મુદ્રા જેતાં તે પોતાની જ જણાઈ એટલે તે વિચારરૂપી મહાસાગરમાં આધાર વિના જ તણાવા લાગ્યો. “પર્વતેશ્વર અસત્ય આરોપ મૂકે છે, એમ કહીએ, તો આ મુદ્રા એને ક્યાંથી મળી ? શું મારી મુદ્રાને સાચવનાર પર્વતેશ્વર સાથે મળી તો નહિ ગયો હોય? ના - ના - એ તો સર્વથા અસંભવનીય છે. હું જેવી રીતે પર્વતેશ્વરના રાજ્યમાં ગુપ્ત રાજદૂતોને ફેરવીને ત્યાંના સમાચાર મગાવું છું, તેવી જ રીતે એણે પણ મગધદેશમાં પોતાના દૂતો રાખીને અહીંના સમાચાર મેળવવાનો ધંધો તો નહિ આદર્યો હોય? જો એમ હોય તો તે મારી પૂરી ફજેતી થએલી માનવાની છે. કારણ કે, હું મને પોતાને એક મોટા રાજનીતિજ્ઞ તરીકે જાહેર કરતો આવ્યો છું, સમસ્ત પુષ્પપુરીમાં શું શું થાય છે, તે જાણી શકવાનો મને અહંકાર હતો, અને પ્રત્યક્ષ મારા સ્વામીનો કુળ સહિત નાશ થાય અને પર્વતેશ્વર નગરને ઘેરો ઘાલે, ત્યાં સૂધી મને એની ખબર ન પડે, એ શું કહેવાય ? હું આવો આંધળો કેમ બન્યો? એ માટે લોકોના મનમાં અવશ્ય અનેક શંકાઓ થવી જ જોઇએ. વળી એ શત્રુને પકડ્યો પણ બીજાએ; અને જ્યારે એ પકડાયો ત્યારે મારા શિરે દોષારોપ કરવા લાગ્યો છે; એટલું જ નહિ પણ પૂરાવા તરીકે મારી મુદ્રાવાળાં પત્રો પણ દેખાડે છે. આ ઇંદ્રજાળનો શો ભેદ હશે ?” અંધકાર - રાક્ષસનાં નેત્રો સમક્ષ સર્વથા અંધકાર છવાયલો દેખાયો. પોતાના બચાવનો તેને કોઈ પણ ઉપાય સુજ્યો નહિ. પોતાની મુદ્રાથી અંકિત