પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
ન્યાયાધીશ કે અપરાધી?

શાંત થઈ ગઈ - હવે તે જાણે ધૈર્યની સાક્ષાત મૂર્તિ હોયની, તેવો દેખાવા લાગ્યો. ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણની તો એવી જ ધારણા હતી કે, પર્વતેશ્વરે એના નામનો ઉચ્ચાર કરતાં જ એ ગભરાઈ જશે અને પર્વતેશ્વર કહે છે તે બધું ખોટું છે માટે આપ મને આ સંકટમાંથી બચાવો, એવી એવી અનેક વિનતિઓ કરશે; અથવા તો કાંઈ યદ્વા તદ્વા બોલવા માંડશે.” પણ તે તો “મને પણ ન્યાયાસન સમક્ષ ઊભો રાખીને મારો પણ ન્યાય કરો,” એમ કહેવા લાગ્યો અને શાંતિની છટા ધારીને નીચે ઉતરી ઉભો રહ્યો. એ જોઈને તે ઉભય આશ્ચર્યમાં લીન થઈ ગયા. “નન્દનો નાશ થયો, તે વેળાએ ક્ષુબ્ધ થએલો જનસમાજ ગમે તેટલો રાક્ષસથી વિરુદ્ધ થયો હોય, તો પણ થોડીક સ્થિરતા થતાં જ રાક્ષસનું મિત્રમંડળ તેના પરના આ વૃથા આરોપને દૂર કરીને આપણી વિરુદ્ધ થઈ જવામાં જરા જેટલો પણ વિલંબ કરશે નહિ, તેમ જ વળી જનસમાજનો અભિપ્રાય પણ પાછો બદલાઈ જવાનો સંભવ છે.” એ બધું ચાણક્ય સારીરીતે જાણતો હતો. ક્ષુબ્ધ જનસમાજ અને ક્ષુબ્ધ મહાસાગર એ ઉભય સમાન હોય છે. શાંત સ્થિતિમાં તેઓ જેમને પોતાના શિરપર ધારે છે, તેમને જ તેઓ ક્ષુબ્ધ સ્થિતિમાં રસાતળમાં પહોંચાવી દે છે, કિંવા યમપુરીનો માર્ગ પણ બતાવી દે છે, એવાં કેટલાંક કારણોથી રાક્ષસના શિરે રાજદ્રોહના અપરાધનો આરોપ મૂકીને પ્રસિદ્ધ રીતે તેનો ન્યાય કરવો, એ કામ ઘણું જ જોખમભરેલું હતું. ચાણક્યની ઇચ્છા પ્રમાણે માત્ર એક જ કાર્ય હવે કરવાનું બાકી રહ્યું હતું. તે એ કે, અમાત્ય રાક્ષસને ચન્દ્રગુપ્તના પ્રધાનનું સ્થાન આપીને તેના હસ્તે ગ્રીક યવનોનો સર્વથા સંહાર કરાવી નાંખવો.જ્યારે તે પોતે તક્ષશિલા નગરીમાં વસતો હતો, તે વેળાએ ગ્રીક લોકોનો આર્યોપર કેટલો બધો જુલમ થાય છે, એનો આપણો વિષ્ણુશર્મા ઉર્ફે ચાણક્યને ઘણો જ સારો અનુભવ હતો. ત્યારપછી તે પાટલિપુત્રમાં આવ્યો અને ત્યાં તેનું અપમાન થવાથી તેણે વૈર વાળવાની પ્રતિજ્ઞા કરી અને રાક્ષસ જેવા ધુરંધર અમાત્યને પણ થાપ ખવડાવીને પોતાની તે પ્રતિજ્ઞા પૂરી કરી, “પરંતુ એ સર્વ ગુપ્ત કેટલા દિવસ રાખી શકાશે ? રાક્ષસના કહેવા પ્રમાણે જો કોઇને ન્યાયધીશ નીમીને સર્વ લોકો સમક્ષ તેનો ન્યાય કરાવવામાં આવે, તો કોઈને કોઈ ભેદનો જાણનાર નીકળી આવતાં સર્વ કારસ્થાનો ખુલ્લાં થઈ જવાનો સંભવ છે. એટલામાટે ન્યાયનો એવો પ્રસંગ ન લાવવો, એ જ ચાણક્યને અને તેના પક્ષવાળાઓને માટે ઇષ્ટ હતું. લોકોનાં મન ક્ષુબ્ધ હોય છે, ત્યાં સુધી જ રાક્ષસને કાંઇ પણ શિક્ષા કરવાનું કે તેને દેશપાર કરવાનું શક્ય હતું, પરંતુ એમ કરવું પણ