પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
નવીન યુક્તિ.

થવાનો? આપના મનમાં જે કાંઈપણ હોય, તે સાફ સાફ બોલી નાંખો. મનમાં રાખશો નહિ. મનમાં રાખવાથી પણ શો લાભ થવાનો છે ?”

“ભાગુરાયણ...! તું નન્દની સેનાનો અધિપતિ છે, અને તું જ જ્યારે કોઈ વૃષલને સિંહાસનારૂઢ કરવાની યોજનામાં પ્રવૃત્ત થયો છે, તો તને હવે કયા નામથી ઓળખવો, એ જ હું સમજી શકતો નથી. હું જ અંધ થયો. મગધદેશને હવે બાહ્ય શત્રુ કોઈપણ નથી - માત્ર મહારાજને કાર્યમાં પ્રવૃત્ત કરવાના કાર્યવિના હવે બીજું કોઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી, એવી ધારણાથી હું શાંત થઈને બેસી રહ્યો. એ મારા પ્રમાદની મને જે શિક્ષા મળી છે, તે યોગ્ય જ છે. તું રાજઘાતક, વિશ્વાસઘાતક અને દેશદ્રોહી છે. તારા સમક્ષ ઉભું રહેવું અને તારા મુખનું અવલોકન કરવું, એ પણ મહા પાતક સમાન છે. એટલે તારી સાથે ભાષણ કરવામાં પાતક હોય, તેમાં તો સંશય જ ક્યાં રહ્યો? જો તમે બધા બુદ્ધિમાન હો, તો મારો સર્વ જનસમાજ સમક્ષ ન્યાય કરો. તે ન્યાયથી જો અપરાધી ઠરું અને ન્યાયકર્તા તમે છો, માટે હું અપરાધી ઠરવાનો જ - તો તમારી ઇચ્છા હોય તેવી મને શિક્ષા ફરમાવો. જો એમ નહિ કરો, તો હું જ હમણાંને હમણાં ચૌટામાં જઈને આ બધી બાબતનો મોટેથી પોકાર કરીશ.” રાક્ષસ બેાલ્યો.

“અમાત્યરાજ!” ભાગુરાયણ તત્કાળ તેને સંબોધીને કહેવા લાગ્યો. “તમારો ન્યાય કરવાનો શો અધિકાર છે ? સર્વનો ન્યાય તો આપ જ કરતા આવ્યા છો, અને કરશો પણ ખરા. મારી માત્ર એટલી જ પ્રાર્થના છે કે, એવા પ્રકારના ન્યાયની આપે ઇચ્છા ન રાખવી, એ જ વધારે નિર્ભયતાનો માર્ગ છે. કારણ કે, જનસમાજનો સ્વભાવ ઘણો જ વિચિત્ર હોય છે; ક્યારે અને કેવી રીતે તેમનો અભિપ્રાય બદલાઈ જશે, એનો નિયમ હોતો નથી. તેથી વિપરીત પરિણામની શંકા થયા કરે છે.”

“ભાગુરાયણ ! ઘડી ઘડી એનું એ જ પિષ્ટપેષણ કરવાથી શું વળવાનું છે વારુ ? જનસમાજના સ્વભાવથી જેટલો તું જાણીતો છે, તેટલો જ હું પણ જાણીતો છું. હાલ તું અધિકારી છે, માટે તને જે કરવાનું હોય તે કર; પણ મારા પોતાના સંબંધમાં મારી જે કાંઈ પણ કરી નાંખવાની ઇચ્છા છે, તેમાં તું વચ્ચે ન આવ. મારી એવી ઇચ્છા છે કે, મારા શિરે આ પર્વતેશ્વરે કરેલા દોષારોપણનું નિરસન થઈ જાય અથવા તો તે સત્ય ઠરે અને મને શિક્ષા મળી જાય. સારાંશ એ કે, હું તમારા ઉપકારના ભારતળે આવવા નથી માગતો. મારી લજજા અને પ્રતિષ્ઠાને