પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જાળવવા માટે તમારે મારા અપરાધોને છૂપાવવાનો કશો પણ યત્ન કરવો નહિ. હવે હું વધારે કાંઈ પણ બોલવાનો નથી. નન્દનો હું એકનિષ્ઠ સેવક છું. એ પર્વતેશ્વરને બોલાવીને રાજ્યનાં સૂત્રો એના હસ્તમાં સોંપવાનું તો દૂર રહ્યું, પણ એવી ઇચ્છા માત્ર પણ મારા મનમાં થવી અશક્ય છે. વધારે શું કહું? પણ તમારું રચેલું આ કપટકુભાંડ જેમને સત્ય ભાસશે, તેઓ તો અવશ્ય મને જે શાસન કરવાનું હશે, તે કરશે જ, પરંતુ આ બાબતને અંદરને અંદર દબાવીને તારા કહેવા પ્રમાણે આ ચન્દ્રગુપ્તના પ્રધાનપદનો સ્વીકાર કરીશ, એમ તમારે સ્વપ્નાંતરે પણ ધારવું નહિ. મારો નિશ્ચય હજી તમે કેટલીકવાર જાણવા માગો છો?” રાક્ષસ પોતાના નિશ્ચયમાં દૃઢ રહીને બોલ્યો.

એ વાક્યો રાક્ષસે બહુ જ ઉદ્વેગના ભાવથી ઉચ્ચાર્યા હતાં અને ભાગુરાયણ તથા ચન્દ્રગુપ્ત એ સઘળું મૂકમુખે સાંભળતા બેસી રહ્યા હતા. એટલામાં એક દૂતે આવીને ભાગુરાયણના કાનમાં કાંઈક કહ્યું - એટલે ભાગુરાયણ એકદમ તે દૂતને કહેવા લાગ્યા કે, “આ તું શું બેાલે છે? રાજગૃહના મુખપાસે ખાડો ખોદવાના હેતુથી પોતાના ગૃહમાંથી માર્ગ આપીને રાજદ્રોહમાં સહાયતા કરનાર અપરાધી પકડાયો છે? અને તે ચન્દનદાસ છે ? વાહ ! ચન્દનદાસ તો અમાત્યનો પરમ પ્રિય મિત્ર હોવાથી તે આવા કાર્યમાં સહાયતા આપે એ બને જ કેમ? સર્વથા અશક્ય ! ચન્દનદાસ રાજઘાતનું કારણ થાય, એ કોઈકાળે પણ સંભવનીય નથી.”

“પણ તેણે પોતે જ પોતાના અપરાધનો સ્વીકાર કરેલો છે અને તેમ કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અમાત્યનાં પત્રોના આધારે જ મેં આ સધળું કાવત્રુ રચ્યું હતું. અમાત્ય મારો મિત્ર હોવાથી મારાથી ના પાડી શકાઈ નહિ.” એ સંભાષણ અમાત્યના દેખતાં જ થયું અને તે સર્વ સાંભળી શકે તેવી રીતે થયું, એ કહેવાની કાંઈ પણ અગત્ય નથી. દૂતનાં અંતિમ વચનો સાંભળતાં જ અમાત્યના મનમાં જે સંતાપ થયો, તેનું યથાસ્થિત વર્ણન મોટા મોટા કવિઓથી પણ થવું અશક્ય હતું. ચન્દનદાસ પોતાનો મિત્ર હોવાથી તે આવા કાર્યમાં કોઈ કાળે પણ ભાગ લે નહિ, એવી તેની પૂરે પૂરી ખાત્રી હતી; પરંતુ અત્યારે તેના મનની એવી સ્થિતિ થઈ ગઈ હતી કે, ગમે તે મનુષ્ય ગમે તે આવીને કહે તો તેને તે ખરું જ માનતો હતો. તેથી જ એ વાત સાંભળતાં જ “જેવી રીતે બીજા અનેક લોકો આ નીચો સાથે મળી ગયા, તેવી જ રીતે એ પણ મળી ગયો હશે? પરંતુ જો ચન્દનદાસ પણ એ કારસ્થાની બ્રાહ્મણને અનુકૂલ થયો હોય, તો તો પછી સમસ્ત જગત જ એને અનુકૂલ થએલું છે અને