પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
નવીન યુક્તિ.

નન્દનો વિનાશકાળ આવી પહોંચ્યો છે, એમ જ નિર્વિવાદ માની શકાય.” એવા એવા અનેક વિચારો તેના મનમાં આવવા લાગ્યા. છતાં પણ ભાગુરાયણનાં વચનો વિરુદ્ધ તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ – તેણે મૌન્ય જ પકડી રાખ્યું. બોલવાથી કાંઈ પણ લાભ થવાનો નથી, એ તે સારી રીતે જાણતો હતો.

તે દૂત અને ભાગુરાયણનું બીજું કેટલુંક ભાષણ તો ચાલતું જ હતું. એવી રીતે કેટલોક વખત વીતી ગયો. પર્વતેશ્વરના ન્યાયની વાત તો રહી જ ગઈ અને તેને પાછો નિયત સ્થાને લઈ જઈને રાખવાની આજ્ઞા કરવામાં આવી. આજ્ઞા પ્રમાણે પરિચારકો પર્વતેશ્વરને ત્યાંથી લઈ ગયા. ત્યાર પછી ભાગુરાયણ અમાત્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપની ચિત્તવૃત્તિ આ વેળાએ ક્ષુબ્ધ થએલી છે. માટે અત્યારે હું આપને કાંઈ પણ કહેતો નથી. સાધારણ રીતે જનસમાજની હાલમાં કેવી સ્થિતિ છે, એ વિશે તો આપને મેં કહેલું જ છે. હવે આપની ઇચ્છા હોય, ત્યાં આપ ભલે જાઓ, અને મારી કહેલી વાતોનો વિચાર કરો. મેં આપને જે વિનતિ કરેલી છે, તે કાંઈ અમથી કરી નથી; પરંતુ તે આપને ગમે કે ન ગમે, એનો આધાર આપની ઇચ્છા ૫ર રહેલો છે.

રાક્ષસે ભાગુરાયણનું એ ભાષણ સાંભળી લઈને એકવાર ઘણી જ તિરસ્કારસૂચક દૃષ્ટિથી તેની તરફ જોયું. મોઢેથી તે કશું પણ બોલ્યો નહિ. એ મનુષ્ય સાથે બોલવામાં પણ મહા પાતક છે, એવી તેની માનીનતા હતી. “મારી અસાવધતાનો લાભ લઈને આણે આવું ભયંકર કારસ્થાન રચ્યું અને હું એના પ્રપંચમાં ફસાઈ ગયો!” એ વિચારથી તેના મનમાં ઘણો જ ખેદ થતો હતો. પણ તેનો કશો પણ ઉપાય હતો નહિ.- ત્યાંથી ન્યાયગૃહમાંથી નીકળીને ક્યાં જવું, એની કલ્પના તે કરી શક્યો નહિ. જ્યારે તે પોતાના પ્રતિહારીના મિત્રના ઘરમાં હતો, ત્યારે તેણે પોતાનાં સ્ત્રી પુત્રોના સમાચાર મેળવવામાટે અને તેમને પોતાને ત્યાં લાવીને રાખવા માટેનું કહેણ ચન્દનદાસને કહાવ્યું હતું અને ચન્દનદાસે તે પ્રમાણે વર્તવાનું ઉત્તર પણ મોકલ્યું હતું, પરંતુ ચન્દનદાસ પોતે તેને મળવાને ન આવ્યો, એનું તેને ઘણું જ આશ્ચર્ય થતું હતું, “ચન્દનદાસે જો રાજદ્રોહના કાર્યમાં સહાયતા આપી હશે, તો તે કયા મોઢે મને મળવાને આવે ? ચન્દનદાસ જેવા અહિંસાધર્મી ગૃહસ્થ જ જ્યારે રાજકુળનો આવી રીતે સર્વથા નાશ કરાવવામાટે ઉદ્યુક્ત થાય, ત્યારે વિશ્વમાં વિશ્વાસ કેવી રીતે રાખી શકાય ? પણ હવે મારે જવું ક્યાં? એ રાજદ્રોહી ચન્દનદાસનું તો હવે મુખ પણ જોવું નથી. ત્યારે મારું કુટુંબ એને ઘેર