પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

છે, તેને બોલાવીને આ પુષ્પપુરીનો સદાને માટે ત્યાગ કરીને ચાલ્યા જવું. નન્દરાજા સર્વાર્થસિદ્ધિ અદ્યાપિ તપોવનમાં તપશ્ચર્યા કરતા હશે, માટે તેમને મળી અને તેમને બીજા રાજાની સહાયતા અપાવીને સૈન્ય સહિત પુનઃ મારે આ પુષ્પપુરીમાં આવવું અને ચન્દ્રગુપ્ત તથા તેના સહાયકર્તા ચાણક્ય અને ભાગુરાયણનો પરાજય કરીને સર્વાર્થસિદ્ધિને રાજ્યાસને બેસાડું, તો જ મારું નામ અમાત્ય રાક્ષસ ખરું.” એવો તેણે નિશ્ચય કર્યો. “મને પકડીને કારાગૃહમાં રાખવાનું અથવા તો લોકો સમક્ષ મારો ન્યાય કરવાનું સાહસ એ દુષ્ટ કરી શકવાના નથી. એમનો હેતુ એટલો જ છે કે, મારા વિશે લોકોનાં મન કલુષિત કરીને મારી દુષ્કીર્તિ ફેલાવવી અને મને લોકોના દોષનો પાત્ર કરવો. પોતાના એ હેતુને સાધવા માટે એ ગમે તેવા નીચ પ્રયત્નો પણ કરશે. માટે હવે આપણે અહીં વધારે વાર બેસી રહેવું, તે લાભકારક નથી, પરંતુ હું ચાલ્યો જાઉં, તે પહેલાં પુત્ર કલત્રની મારે શી વ્યવસ્થા કરવી ? ચન્દનદાસ જેવા નીચ મનુષ્યના ઘરમાં તેમને રાખવાં, એ હવે સારું નથી. એ કદાચિત્ મારાં સ્ત્રી પુત્રોને પણ શત્રુઓના હાથમાં સોંપી દઇને તેમનો પણ નાશ કરાવે તો તેમાં પણ કાંઈ આશ્ચર્ય જેવું તો નથી જ. અને એમ ન કરે, ને હું તેમની વિરુદ્ધ ન થાઉં, એટલામાટે તેમને જામીન તરીકે કેદ રાખે એટલે પછી શું કરવું !” એવા વિચારોને મનમાં જન્મ આપતા બિચારો રાક્ષસ રાજમાર્ગને મૂકીને બીજા એક છૂપા માર્ગથી ચાલ્યો જતો હતો. અંતે પુષ્પપુરની નદીના તીરે આવેલા એક નિર્જન અરણ્યમાં તેણે પ્રવેશ કર્યો. પ્રતિહારીના મિત્રને ઘેર જવામાટેને એ અરણ્યમાંથી પણ એક માર્ગ હતો. એ જ માર્ગે ચાલવાનું એ વેળાએ તેને વધારે સારું લાગ્યું. તે થોડાક આગળ વધ્યો, એટલામાં એક મહાન અને વિશાળ વૃક્ષતળે કેાઈ “કેમ મિત્ર ચન્દનદાસ ! રાક્ષસની આજ્ઞા પાળવામાટે તેં જે કૃત્ય કર્યું, તે અંતે તારા જ વધનું કારણ થઈ પડ્યું ને ? અને એ તારા જાણવામાં આવેલું છતાં તેમ જ તારા માટે છૂટવાનો માર્ગ હોવા છતાં પણ તું ન્હાસી નથી જતો અને પોતાના નાશ માટે તૈયાર થઈને ઉભો છે, ત્યારે હવે મારું પણ આ જગતમાં જીવિત રહેવું વ્યર્થ છે ! તારા જેવો એક ઉત્તમમાં ઉત્તમ મિત્ર સ્વર્ગમાં પ્રયાણ કરી જાય, ત્યારે મારા જેવાથી આ ખાલી વિશ્વમાં શી રીતે જીવી શકાય ? જો ગળે ફાંસો ખાઈ હું આ ક્ષણે જ તારી પાછળ આવું છું...... ” રાક્ષસના કાને એ શબ્દો પડ્યા અને તે અચકાઇને ઉભો રહ્યો. “આ વેળાએ આ નિર્જન, અરણ્યમાં આવીને ચન્દનદાસના વધ માટે શોક કરનાર અને તેના માટે પેાતાના પ્રાણનું બળિદાન આપનાર