પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
નવીન યુક્તિ.

એવો તે કયો મિત્ર હશે? અને ચન્દનદાસે જે કાંઈ કર્યું, તે રાક્ષસની આજ્ઞાથી કર્યું, એ કારણથી તેનો વધ કરવામાં આવે છે, એનો શો ભેદ હશે? મારાથી કાંઈપણ સમજી શકાતું નથી. આ વિલક્ષણ ભેદનું જ્ઞાન કેમ અને કેવી રીતે થઈ શકે ? આ આત્મહત્યા કરનાર મનુષ્યને એકાંતમાં બોલાવીને પૂછવાથી કાંઈક જાણી શકાશે ખરું અને પછી એના મનને શાંત કરીને આગળ ઉપર જે કરવાનું હશે તે કરી શકાશે.” એવો વિચાર કરીને તે તે ગૃહસ્થ પાસે ગયા અને નમ્રતાથી પૂછવા લાગ્યો કે “ભાઈ ! પોતાના મિત્રના વધ માટે આત્મહત્યા કરવાને તત્પર થએલો તું પોતે કોણ છે, તે મને જણાવીશ ?”

“મહારાજ ! આપ મારી પૂછપરછ શા માટે કરો છો ? જો મને આત્મહત્યા કરતો અટકાવવાનો આપનો મનોભાવ હોય, તો કૃપા કરીને તેવો પ્રયત્ન બિલ્કુલ કરશો નહિ. મારા મિત્રના સ્વર્ગવાસ પછી એક ક્ષણ માત્ર પણ આ સંસારમાં જીવિત ન રહેવાનો મેં દૃઢતમ નિશ્ચય કરેલો છે. માટે મને મારી ઇચ્છા પ્રમાણે કરવા દ્યો.” તે આત્મહત્યા કરનાર અજ્ઞાત મનુષ્યે પોતાની ઉદાસીનતાનું દર્શન કરાવીને તેવી જ નમ્રતાથી એ વાક્યો ઉચ્ચાર્યા.

“ભાઈ ! હું તારા માર્ગમાં આડો આવતો નથી. પણ તું જેના નામનો ઉચ્ચાર કરે છે, તે મારો પણ મિત્ર થાય છે. તેના વધની વાર્તા સાંભળીને મને પણ ઘણો જ ખેદ થાય છે. પણ એનો વધ કોની આજ્ઞાથી અને શામાટે કરવામાં આવે છે, એ તું મને જણાવીશ, તો તેને છોડવવાનો હું મારાથી બનતો ઉપાય કરીશ. નહિ તો હું પણ તારા જ માર્ગનું અવલંબન કરીને મિત્રને મળવાનો પ્રયત્ન કરીશ.” રાક્ષસે કહ્યું.

“શું, ચન્દનદાસ તમારો પણ મિત્ર થાય છે ? જો તેમ જ હોય, તો તો હવે તમારે તેને પોતાથી સદાને માટે વિયુક્ત થએલો માની લેવો. એનો દુષ્ટોએ વધ કર્યો છે. રાજદ્રોહના કાર્યમાં અમાત્ય રાક્ષસને જેણે જેણે સહાયતા આપેલી છે, તે સઘળાનો એવી જ રીતે વધ થવાનો છે. તે ત્રિપુટી – ચાણકય, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ. હવે એ કારસ્થાનમાં ભાગ લેનારા સર્વને યોગ્ય શાસન કરનાર છે..............."

અરે ભાઈ! એ તો બધું ખરું, પણ ચન્દનદાસને એમણે કયા દોષથી અપરાધી ઠરાવ્યો છે ? રાક્ષસે તેને વચમાં જ બોલતો અટકાવીને પ્રશ્ન કર્યો.

“આ૫ આરોપ વિશે પૂછો છો ને? આરોપ બીજો શો હોય? રાજા ધનાનંદની સવારી રાજગૃહના તોરણ નીચે આવી લાગતાં જ તેની નીચે ખોદી