થયો હશે અથવા તો જે ક્ષણ જાય છે તેમાં થશે. મહારાજ ! હવે મને મારા મિત્રના માર્ગમાં તેની પાછળ વિચરવાની આજ્ઞા આપો.” એવી રીતે એ ગૃહસ્થનાં દૃઢતાથી ઉચ્ચારેલાં વચનો સાંભળીને રાક્ષસ સ્તબ્ધતાથી ઉભો રહી ગયો. માત્ર એ વેળાએ તેણે એ આત્મહત્યા કરનાર મનુષ્યને હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. તેની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેણે તે મનુષ્યને પૂછ્યું કે, “તારું નામ શું ?”
“શકટદાસ” તેણે ઉત્તર આપ્યું. એટલે રાક્ષસે વળી પૂછ્યું કે, “શકટદાસ ! ચન્દનદાસે રાક્ષસનાં સ્ત્રી અને બાળકોને ક્યાં રાખેલાં છે, એ વિશે તને કાંઈ ખબર છે કે ? તું તેનો મિત્ર છે, માટે જ હું તને પૂછું છું.”
“ના; હું તેનો મિત્ર ખરો; પરંતુ આવી ગુપ્ત વાતો ઝટ દઇને એકના મોઢેથી બીજાને મોઢે જાય છે, તેથી મને પણ તેણે એ વિશે કાંઈ કહ્યું નથી અને ખરેખર જો હું એ વાત જાણતો હોત, તો ક્યારનોએ ચન્દ્રગુપ્તને તે જણાવીને મારા મિત્ર ચન્દનદાસનો છૂટકો કરાવી નાંખ્યો હોત. રાક્ષસ તેને આવા સંકટમાં નાંખીને પોતે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો છે, તેનો પત્તો નથી. જે મનુષ્ય પોતાના જીવના રક્ષણ માટે પોતાના મિત્રનો આવી રીતે વધ થવા દે છે, એવા મિત્ર માટે પ્રેમ પણ શામાટે રાખવો જોઇએ ? પણ ચન્દનદાસ મહાપુરુષ છે.” શકટદાસે કહ્યું.
એ મર્મભેદક વચનો સાંભળીને રાક્ષસને ઘણું જ માઠું લાગ્યું. તે થોડીક વાર સ્તબ્ધ રહીને બોલ્યો કે, “ મિત્ર ! તું વ્યર્થ આત્મહત્યા ન કર, અને મને વધસ્થાને લઈ ચાલ, હું તારા મિત્રને છોડવીશ - અમાત્ય રાક્ષસ જેવા દુર્દૈવી પુરુષનાં સ્ત્રી પુત્રો માટે ચન્દનદાસ પ્રાણ આપવાને તત્પર થયો છે, તે રાક્ષસ હું જ છું.” રાક્ષસનું નામ સાંભળતાં જ શકટદાસ આશ્ચર્યચકિત થઈ ગયો.
શકટદાસે માત્ર અત્યંત આશ્ચર્ય જ નહિ, કિન્તુ અવિશ્વાસ પણ દેખાડ્યો અને તે કહેવા લાગ્યો કે, “મહારાજાના અને તેના કુળનો વિધ્વંસ કરવાનો તેણે જે યત્ન કર્યો હતો તે તો સફળ થયો, પણ પછીના સર્વ પ્રકાર પોતાની ઇચ્છાથી વિરુદ્ધ અને હાનિકારક થએલો હોવાથી રાક્ષસ એક ક્ષણ માત્ર પણ આ પુષ્પપુરમાં રહે, એ સર્વથા અશક્ય છે. માટે