લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આપનાં વચનોને હું સત્ય તરીકે માન્ય રાખી શકતો નથી.” એટલે પોતે જ રાક્ષસ છે, એવી તેની ખાત્રી કરી આપવા માટે રાક્ષસને ઘણો જ શ્રમ વેઠવો પડ્યો. અન્તે “આપ જ જો ખરેખર રાક્ષસ છો, તો હું આવું છું અને આપને ચન્દનદાસ પાસે લઈ ચાલું છું. જો તે અદ્યાપિ જીવતો હશે, તો તો ઠીક; નહિ તો આપનો હાથ ચન્દ્રગુપ્તના હાથમાં સોંપીને હું તો આત્મહત્યા કરવાનો જ. જો તે જીવતો હોય, તો તેને છોડવવાનો પ્રયત્ન કરશો; કારણ કે, મારા મિત્રને હું વિટંબનામાં પડેલો જોઇ શકતો નથી. ભગવાન અરિહંતા મને અને તેને ઉભયને નિર્વાણપ્રાપ્તિ કરાવશે, એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી.”

એમ કહીને શકટદાસે ચાલવા માંડ્યું અને તેની પાછળ પાછળ રાક્ષસ પણ ચાલતો થયો. ગંગા નદીના તીરે સ્મશાનમાં ખરેખર ચન્દનદાસને વધનાં સર્વ ચિન્હોથી વિભૂષિત કરીને ઊભો રાખવામાં આવ્યો હતો. ત્યાં એ બન્ને આવી પહોંચ્યા. ચન્દનદાસને લાલરંગનાં વસ્ત્રોથી આચ્છાદિત કરેલો હતો. રકત પુષ્પોની માળા તેના સમસ્ત શરીરપર નાંખવામાં આવી હતી અને તેનું સર્વાંગ કુંકુમ આદિ રક્ત ચૂર્ણવડે લિપ્ત કરવામાં આવ્યું હતું. તેની પત્ની અને તેનો એક દશ વર્ષના વયનો પુત્ર પણ ત્યાં આવેલાં હતાં. તેની પત્ની પોતાના પતિ સાથે સતી થવા માટે આવી હતી અને પુત્ર પોતાનાં માતા પિતાને “તમે આજે આવો વેશ શામાટે લીધેલો છે - તમે ક્યાં જાઓ છે ?” એવા નિર્દોષ પ્રશ્નો દીનવાણીથી પૂછતો ઉભો હતો. અનેક પ્રયત્ન કરવા છતાં પણ તેના રોદનને અટકાવ થઈ શક્યો નહિ. એ કરણોત્પાદક આદર્શને જોઇને રાક્ષસનાં નેત્રોમાં પણ પાણી ભરાઈ આવ્યું, “મારો મિત્ર મારા માટે વિના કારણ માર્યો જાય છે, એટલું જ નહિ પણ તેની સ્ત્રી પણ પતિ સાથે સતી થાય છે, અને માત્ર એક જ શબ્દથી મુક્તિ મળવાનો સંભવ છતાં પણ મિત્રધર્મના પાલન માટે તેમ કરતાં એ અચકાય છે - એ એનું કેવું ધૈર્ય અને કેટલું સાહસ!!” એવો વિચાર કરી આગળ વધી તે વધ કરનાર ચાંડાલને કાંઈક કહેવા જતો હતો, એટલામાં તે ચાંડાલ ચન્દનદાસને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે - “શેઠ! આ૫ વ્યર્થ પોતાનો પ્રાણ પોતાને હાથે જ શામાટે ગુમાવો છો? રાક્ષસનાં બાલ બચ્ચાં ક્યાં છે, તે જણાવી દો ને? મહારાજ ચન્દ્રગુપ્ત ઘણા જ દયાળુ છે. તે કાંઈ રાક્ષસના વંશનો નાશ કરવાનો નથી. માત્ર રાક્ષસને પોતાના તાબામાં રાખવા માટે જ આ બધી કોશિશો કરવામાં આવે છે.”