પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
રાક્ષસનો નિશ્ચય.

રક્ષણ માટે જ એ બધો સંહાર થયો ! ત્યારે આવો વધ મારે થવા દેવો જોઇએ ખરો કે? ના - ના - એમ તે કોઈ કાળે પણ થાય નહિ.” એવી તેની ભાવના થઈ, પરંતુ એ વધ ટાળી દેવા માટે ભાગુરાયણ અને ચન્દ્રગુપ્તે જે એક ઉપાય સૂચવ્યો હતા, તે પણ રાક્ષસને માન્ય નહોતો. એટલે પછી કેમ બને? “મારી પ્રતિજ્ઞાનો ભંગ કરીને આ નન્દવંશના ઘાતકોની સેવાનો હું સ્વીકાર કરું, તો જ શાંતિ થશે કે શું? મિત્રવધ ન થવા દેવા માટે હું મારા અને મારાં સ્ત્રીપુત્રોનો વધ કરવાની વિનતિ કરું છું, તો પણ એમના આત્માને શાંતિ થતી નથી. એમણે તો મને પોતાનો સેવક બનાવવાની ધારણા જ નિશ્ચિત કરી રાખી છે. પરંતુ મને હવે સચિવ બનાવવાથી એમને શો લાભ થવાનો છે ? મારાં નેત્રો સમક્ષ જ આવા ભયંકર કારસ્થાનની સિદ્ધિ થઈ ગઈ એટલે હું તો અંધ જ બની ગયો છું. હું જન્માંધ પ્રમાણે સર્વથા અંધકારમાં જ રહી ગયો, એટલે હવે મારી પ્રધાનપદવીનું મહત્ત્વ શું ? હવે લોકો મને માનની દૃષ્ટિથી જુએ, એ સર્વથા અસંભવિત છે. મારાવડે જ આવી રીતે નન્દવંશનો સમૂલ અને સશાખ ઉખાત થએલો છે, એવો જનસમાજનો દૃઢ નિશ્ચય જ થઈ ગયો છે. વળી એ રાજવંશના ઉચ્છેદનું કાવત્રું રાક્ષસે જ રચેલું છે, એવી કોઈના મનમાં શંકા ન આવે અથવા તો પોતે આદરેલા નરયજ્ઞમાં હોમાતા મનુષ્યોનો ચીત્કાર સાંભળી શકાશે નહિ, એવી ધારણાથી જ તે અણીના અવસરે ત્યાંથી છટકી ગયો હતો, એવી બહુધા બધાની ધારણા થએલી છે. એટલે હવે મારી અપકીર્તિમાં અવશિષ્ટ તો શું રહ્યું ? મારા નામને જે કલંક લાગવાનું હતું, તે તો લાગી ચૂક્યું છે. માટે હવે તો જે પ્રયત્ન કરવાનો છે, તે માત્ર મારા પ્રાણની રક્ષા માટે જ છે. મારા મિત્રનો વધ ન થાય તેટલા માટે આ નીચોની સેવાનો સ્વીકાર કરવા અને મારા નન્દવંશના પક્ષપાતને છોડી દેવો, એ કાર્ય મારાથી કાલત્રયે પણ બની શકશે કે? જ્યારે નન્દવંશનો આવી ક્રૂરતાથી સંહાર કરવામાં આવ્યો, અને જેમ કોઈ કસાઈ બકરાંનાં માથાં ધડથી જૂદાં કરી નાંખે છે, તેવીરીતે સર્વ નંદોને એમણે કાપી નાંખ્યા, ત્યારે એ નિર્દયોને આ બિચારા ચન્દનદાસની દયા તો ક્યાંથી જ આવે? અવશ્ય એ આનો વધ કરવા વિના રહેવાના નથી જ. પરંતુ એને ઉગારવાનો હવે બીજો ઉપાય જ રહ્યો નથી. અર્થાત્ જો ભાગુરાયણ આદિનું વચન હું માનું, તો જ આ અનિષ્ટ પ્રસંગ ટળે. પરંતુ નંદવંશનો નાશ કરનારા અધમોની સેવા ન કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી છે, તેનો આ ચન્દ્રનદાસના વધના નિવારણ માટે ભંગ કરવો કે શું ? એક બાજુએ મિત્રનો વધ અને બીજીબાજૂએ પ્રતિજ્ઞાનો ભંગ, એ બેમાંથી કઈ વસ્તુનો સ્વીકાર કરવો અને કઇને તિરસ્કાર કરવો? પ્રતિજ્ઞાનો ભંગ કરીને આ નન્દવંશઘાતક ચાંડાલોથી