પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
રાક્ષસનો નિશ્ચય.

ન્યાયાધીશ સમક્ષ કોણ જાણે કેવા પૂરાવા નીકળે, એનો નિયમ નહોતો. એ સધળું ચન્દ્રગુપ્ત, ચાણક્ય અને ભાગુરાયણ સારી રીતે જાણતા હતા. ચાણક્ય તો રાક્ષસની યોગ્યતાને વળી બધા કરતાં વધારે પિછાનતો હતો. જો બનેલી બધી ઘટનાને ભૂલી જઇને રાક્ષસ ચન્દ્રગુપ્તને મગધેશ્વર માનવાનું એકવાર કબૂલ કરે, તો પછી પોતાના વચનથી તે કોઈ કાળે પણ ફરવાનો નથી અને ભવિષ્યમાં તે આવી રીતે અસાવધ પણ રહેવાનો નથી, એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય હતો. ચાણક્યની હવે પછી વધારે દિવસ મગધદેશમાં રહેવાની ઇચ્છા નહોતી. ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરીને પ્રધાનપદે વિરાજવાની તેની મહત્વાકાંક્ષા હતી નહિ, તેની માત્ર બે જ ઇચ્છાઓ હતી:- એક તો પાટલિપુત્રમાં આવવા પહેલાં જ્યારે તે તક્ષશિલા નગરીમાં હતો, ત્યારનો આર્યોપર યવનોના હાથે થતો જુલમ તેના મનમાં ખૂંચ્યા કરતો હતો, તે જુલમનો નાશ કરવા માટે તક્ષશિલા પર્યન્ત આર્યોના રાજ્યનો વિસ્તાર વધારવા અને તે કાર્ય નન્દરાજ દ્વારા જ પાર પાડવું, એવી ધારણાથી તે પાટલિપુત્રમાં આવ્યો હતો. ત્યાં નન્દરાજાએ અપમાન કરવાથી તેનું વૈર વાળવાની ઇચ્છા હતી. તે ઇચ્છા તો સર્વથા સિદ્ધ થઈ ચૂકી; અને બીજી ઇચ્છા જો રાક્ષસ સહાયભૂત હોય, તો સત્વર જ પાર પડી શકે તેમ હતું. રાજ્યના મુખ્ય મંત્રીમાં જોઇતા સર્વ ગુણો રાક્ષસમાં છે, એનો ચાણક્યને પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ તેણે રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં લાવવાનો આટલો બધો પ્રયત્ન આદર્યો હતો. ચાણક્ય મહા કૃતનિશ્ચયી હતો, એ તો હવે વાચકોને નવેસરથી કહેવું પડે તેમ નથી જ. એથી જ તેણે રાક્ષસના નિશ્ચયને ફેરવવા માટેના ઉપાયો દૂર રહીને જ ચલાવવા માંડ્યા હતા. એકવાર તેણે ભાગુરાયણને મોકલીને દાણો દાબી જોયો અને પછી ચન્દનદાસનો વધ પોતાના હેતુથી જ થાય છે, એવો રાક્ષસને ભાસ કરાવીને પરિણામ શું આવે છે, તે પણ જોયું. પરંતુ ઉપર કહ્યા પ્રમાણે તેનો એ પ્રયત્ન પણ ફળીભૂત થયો નહિ.

રાક્ષસ ચન્દનદાસને મરવા દેવાને પણ તૈયાર થયો, એ જોઇને ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણ હવે પછી શું કરવું, એવા ભાવની મુદ્રાથી એકમેકને જોવા લાગ્યા. તેમના એ પરસ્પર દૃષ્ટિપાતનો ભાવાર્થ રાક્ષસ સમજી શક્યો નહિ. થોડીવાર રહીને ચન્દ્રગુપ્તે ચાંડાલોને સબૂર કરવાની નિશાની કરીને કહ્યું કે, “ચાંડાલો, તમે આ મનુષ્ય હત્યાનું કાર્ય કરશો નહિ. જ્યારે અમાત્યરાજ પોતે જ અહીં હાજર છે, ત્યારે તેમનાં સ્ત્રી પુત્રો માટે આ બિચારા શેઠનો જીવ લેવો, એ અમને યોગ્ય નથી લાગતું. હાલ તો એને લઈ જઈને કારાગૃહમાં રાખો; કિંબહુના, છોડી જ દ્યો તો